‘હોશિયાર’ વિદ્યાર્થીઓની હોશિયારી પકડાઈ ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
શાળામાં વિદ્યાર્થીઓને સારા સંસ્કારનું સિંચન કરતું મૂલ્યનિષ્ઠ શિક્ષણ અપાવવું જોઈએ, દેશસેવા સાથે પ્રામાણિકતાના પાઠ ભણાવવા જોઈએ પરંતુ રાજકોટની એસએનકે અને ધોળકિયા જેવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ચોરી કરવાના પાઠ ભણાવવામાં આવતા હોય એવો લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસએનકે અને ધોળકીયા જેવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના રૈયારોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી જે અંગે પોલીસે અલગઅલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આખરે ચોરી કરનારને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
- Advertisement -
સુખીસંપન્ન પરિવારનાં સુપુત્રો અગાઉ પણ એક ચોરીને અંજામ આપી ચૂક્યા છે
150 કિલો ભંગાર ચોરી કરી વેંચવા જતા ઝડપાયેલા ત્રણેય વિદ્યાર્થીની પોલીસ દ્વારા પૂછપરછ કરતાં નવો જ ફણગો ફૂટ્યો છે, એક વિદ્યાર્થી કૃષ્ણપાલના પિતા જમીન-મકાન લે-વેચનું કામ કરે છે, બીજા વિદ્યાર્થી અરમાનના પિતાને મેડિકલ સ્ટોર છે અને ત્રીજા વિદ્યાર્થી હર્ષના પિતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે, આર્થિક સુખી-સંપન્ન પરિવારના આ સંતાનો પાસે ઊંચી કિંમતના મોબાઈલ હતા, પાર્ટી અને મોજમસ્તીના રવાડે ચડેલા આ ત્રણેયે અગાઉ પણ મોજમસ્તી માટે 100 કિલો લોખંડની ચોરી કરી હતી, અગાઉ ચોરાઉ મુદ્દામાલ વેચી પૈસા આવ્યા હતા તેની ઉજવણી કરી હતી, એ ચોરી અંગે કોઇને જાણ થઇ નહોતી, હવે ફરી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા રિસોર્ટમાં જવા નાણાંની જરૂરિયાત હોવાથી કૃષ્ણપાલે અરમાન અને હર્ષને ચોરીની વાત કરી હતી અને આ વખતે બીજી વાર ચોરી કરવા જતાં ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપાઇ ગયા હતા.
નામાંકિત શાળાના નબીરાઓએ ક્લબમાં પાર્ટી કરવા ભંગાર વેંચી પૈસા ભેગા કરવાનો નુસ્ખો અજમાવ્યો
- Advertisement -
150 કિલો ભંગાર વેંચી પાર્ટી કરવાનો પ્લાન ઘડ્યો પણ પકડાઈ ગયા, અગાઉ 100 કિલો ભંગાર વેંચી પાર્ટી કરી હતી
SNK અને ધોળકિયા જેવી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનાં વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો
ચોરીકાંડમાં પકડાયેલાં વિદ્યાર્થીઓ જેટલી જ કસુરવાર તેમની શાળા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની એસએનકે અને ધોળકિયા જેવી નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડમાં રેન્ક લઈ આવે છે ત્યારે આ શાળાઓના સંચાલકો બેન્ડવાજા વગાડી પોતાના વિદ્યાર્થીઓની મહેનતનો જશ ખાટતા જોવા મળે છે. હકિકતમાં આવી શાળાઓ શ્રેષ્ઠ શિક્ષણ આપવા નહીં, પરંતુ શ્રેષ્ઠ પરિણામ મેળવવા પંકાય ગઈ છે. બે-ચાર વિદ્યાર્થીઓ બોર્ડમાં નંબર લઈ આવે એટલે બે-ચાર હજાર વિદ્યાર્થીઓનું એડમિશન આરામથી થઈ જાય. અને પછી સંસ્કારયુક્ત શિક્ષણ આપવાના નામે મીંડું. જો આ શાળામાં વિદ્યાર્થીઓ નાની અમથી ભૂલ કે ચોરી કરે તો તેમને ત્યાંથી જ અટકાવી પ્રામાણિકતાના પાઠ શીખવવામાં આવે તો આ શાળાના વિદ્યાર્થીઓ માત્ર બોર્ડમાં જ રેન્ક લઈ આવશે, ગુનાખોરીમાં નહીં. અફસોસ કે એસએનકે અને ધોળકિયા જેવી શાળાનું કલચર જ કંઈક એવું થઈ ગયું છે આ નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ ઘર-પરિવારનું નામ રોશન ઓછું, કલંકિત વધુ કરવા લાગ્યા છે. સગીર વયના વિદ્યાર્થીઓ સૌથી વધુ કંઈક શીખતાં હોય તો તે શાળા છે અને સૌથી વધુ સમય જ્યાં પસાર કરતા હોય તો તે સ્થળ પણ શાળા છે. અહીં જ તેઓ સારા-નરસા અને પાપ-પુણ્યના પાઠ શીખતાં હોય ચોરીકાંડમાં પકડાયેલા વિદ્યાર્થીઓ જેટલી જ કસુરવાર તેઓ જ્યાંથી શિક્ષણ મેળવી રહ્યા છે તે શાળા છે, તેમની શાળા એસએનકે અને ધોળકિયા છે.
ચોરીના આ કિસ્સાની ચોંકવાનારી બાબત એ છે કે, ભંગારની ચોરી કરનારા કોઈ રીઢા ચોર ન હતા. પરંતુ આ ચોરી કરનારા શહેરની પ્રતિષ્ઠિત એસએનકે અને ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સગીર વયના ત્રણ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. આથી પણ વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આગામી સમયમાં આ ચોરી કરનારા ત્રણ મિત્રો પૈકી એક મિત્રનો જન્મદિવસ હતો. મિત્રનો જન્મદિવસ રાજકોટના કાલાવડરોડ પર આવેલા મોંઘેરા ક્લ્બમાં ઉજવવા માટે એસએનકે અને ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ ચોરીનો પ્લાન બનાવી અંદાજિત 150 કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. ભંગાર ચોરી કર્યા બાદ ભંગાર વેંચવા જતા સમયે ત્રણેય હોશિયાર વિદ્યાર્થીઓને પોલીસે પકડી પાડી તેમની હોશિયારીની હવા કાઢી નાંખી હતી એટલું જ નહીં, હાલ પોલીસે સગીર આરોપીઓ પાસેથી ભંગાર ખરીદ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે હજુ વધુ કેટલાંક ચોંકાવનારા ઘસ્ફોટ થઈ શકે તેમ છે ત્યારે હાલ રાજકોટના પોષ વિસ્તારમાં રહેતા અને શહેરની નામાંકિત શાળા એસએનકે તથા ધોળકિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચોરીમાં સંડોવણી સામે આવતા આ કિસ્સો બંને શાળાઓ ઉપરાંત દરેક શાળાના વાલીઓ માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન માનવામાં આવી રહ્યો છે.
સ્કૂલમાં નાઈટઆઉટનું કલ્ચર હોવાનું વિદ્યાર્થીના વાલીએ કબૂલ્યું
જગઊં અને ધોળકિયા જેવી શાળામાં પુત્રને ભણાવીને પુત્ર ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી ઘડશે તેવા સ્વપ્ન નિહાળનાર ચોરીકાંડમાં પકડાયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીના વાલીએ મીડિયાને જણાવ્યું હતું કે, મારી સ્થિતિ કેવી છે તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પરંતુ ભવિષ્યમાં અન્ય વાલી આ સ્થિતિમાં મુકાય નહીં તે માટે કહેવા માગું છું કે, મારા પુત્રને ઊંચી કિંમતનો મોબાઈલ અપાવ્યો, તે સતત પબજી રમતો, રાત્રીના આઠ વાગ્યા બાદ ઘરની બહાર નીકળે અને ફોન કરું ત્યારે શેરીમાં મિત્રો સાથે બેઠો હોવાની વાત કરતો, સ્કૂલમાં પણ નાઈટઆઉટનું કલ્ચર હતું, એટલું જ નહીં 20થી 25 મિત્ર હોવાથી દર મહિને કોઈને કોઈનો જન્મદિવસ હોય એટલે મોડીરાત સુધી જન્મ દિવસ ઉજવવાના બહાને બહાર રહેતો, પુત્ર પર વિશ્વાસ હતો કે તે અમારી લાગણી સમજશે પરંતુ તેણે કરેલા કરતૂતથી પરિવારજનો ભાંગી પડ્યા છે.
કઈ રીતે પકડાઈ ભંગાર ચોરી?
યુનિવર્સિટી પોલીસે સોમવારે સવારે સાધુ વાસવાણી રોડ ઉપરથી શંકાસ્પદ આઈ-20 કાર અટકાવી જડતી લેતા 150 કિલો લોખંડના ભંગાર સાથે ટોપલેન્ડ રેસિડેન્સીમાં રહેતા કૃષ્ણપાલસિંહ વાઘેલા મળી આવ્યો, પૂછતાછ દરમિયાન તેણે આ ભંગાર શ્રીહરિ એમ્પાયર સાઈડ પરથી ચોરી કરી હોવાનું અને આ ગુનામાં તેના બે મિત્રો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું. પોલીસે તે બંનેની પણ ધરપકડ કરતા કૃષ્ણપાલ જગઊં અને તેના બે મિત્રો અરમાન અને હર્ષ ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. એક મિત્રનો બર્થડે હોય મિત્રોને ક્લબમાં પાર્ટી આપવા માટે કાર ભાડે લઈ, ભંગાર ચોરી કરી પૈસા મેળવવાનો પ્લાન ત્રણેય મિત્રોએ ભેગા મળી ઘડ્યો હોવાનું જણાવતા પોલીસે બે કાર, ભંગાર કબજે કરી કાર્યવાહી કરી હતી.
સંતાનો પર નજર રાખવા વાલીઓને પોલીસની અપીલ
એસએનકે અને ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ કરેલી ભંગાર ચોરી મામલે પીઆઈ એ.બી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, ચોરી કરવા માટે અવલોકન કર્યું હતું. બાળકો મોડી રાત સુધી બહાર રહેતા હોય અને વધુ પૈસા ખર્ચ કરતા હોય તો વાલીઓએ બાળકો ઉપર ધ્યાન દેવું જોઈએ અને ગેરમાર્ગે જતા અટકાવવા જોઈએ. વાલીઓ તેમના બાળકો પર નજર રાખે તે જરૂરી છે.