સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અનુસ્નાતક સંસ્કૃત ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને સંસ્કૃત ભારતીના સંયુક્ત ઉપક્રમે દીક્ષારંભ સમારોહ અને સંસ્કૃત સપ્તાહ ઉત્સવ 5 ઓગસ્ટના કાલિદાસ સભાખંડમાં ઉજવાયો હતો. અનુસ્નાતક સંસ્કૃત ભવનમાં પ્રવેશ લેનાર સેમસ્ટર-1ના વિદ્યાર્થીઓનું કુંમ કુંમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું. સાથે ભવનની પરંપરા મુજબ સંસ્કૃત સપ્તાહ ઉજવણી કાર્યક્રમનો આજે કુલપતિ પ્રો.ઉત્પલ જોશી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભવનના પૂર્વાધ્યક્ષ પ્રો. ડો. એમ. કે. મોલિયા અને સંસ્કૃત ભારતી ગુજરાતના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડીયા, સંસ્કૃત ભારતી રાજકોટ મહાનગરના સંયોજિક હિનાબેન સોનાગરા, પ્રાંત કોષાધ્યક્ષ વલ્લભભાઈ સીધપરા, પ્રાંત સાહિત્ય પ્રમુખ પંકજભાઈ પાચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ભવન અધ્યક્ષ પ્રો. ડો. રાજા એન. કાથડ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. કાર્યક્રમના દ્વિતીય સત્રમાં સંસ્કૃત ભારતીના કાર્યકર્તા, અનુસ્નાતક સંસ્કૃત ભવનના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃત, નૃત્ય, સંસ્કૃત ગરબા, સંસ્કૃત સ્તોત્ર, નૃત્ય નાટીકા, સંસ્કૃત ગીત વગેરે ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 12 ઓગસ્ટના રોજ ભવન દ્વારા એક નૂતન પ્રકલ્પ “વૃક્ષેષુ વાસુદેવ:” ના સંદર્ભમાં સંસ્કૃતભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક પારિજાત અને પાંચ સેતુરના વૃક્ષોનું યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત 28 ભવનોમાં વિદ્યાર્થીઓ પોતે જઈને ઉપર્યુક્ત વૃક્ષોનું રોપણ કરશે. સંસ્કૃત ભવનમાં કુલપતિએ સંસ્કૃત વસ્તુ પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતુ જેમાં ઘર વપરાશમાં અને આપણા વ્યવહારમાં આવતા 600 જેટલી વિવિધ વસ્તુના સંસ્કૃત નામ સાથેની પ્રદર્શની હતી. સંસ્કૃત ભવનના કાલિદાસ સભાખંડમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે ભવનના પ્રા. ડો. શારદાબેન રાઠોડ – 9712156692, અને સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના મહાવિદ્યાલય છાત્ર પ્રમુખ ડો. કાન્તિભાઈ કાથડ – 7990782383 નો સંપર્ક કરવાનો રહેશે.
સંસ્કૃત સપ્તાહના કાર્યક્રમ
5 ઓગસ્ટે સંસ્કૃત વસ્તુ પ્રદર્શિની અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
6 ઓગસ્ટે સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઇ
7 ઓગસ્ટે શહેરમાં વિવિધ શાળા-કોલેજોમાં જઈ સંસ્કૃત પરિચયવર્ગનું આયોજન કરાશે
11 ઓગસ્ટે સંસ્કૃત ભવનના કાલિદાસ સભાખંડમાં સંસ્કૃત શ્લોક સ્પર્ધા, સંસ્કૃત સ્તોત્ર સ્પર્ધા, સંસ્કૃત ગીત, સુલેખન સ્પર્ધા યોજાશે
12 ઓગસ્ટે સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક પારિજાત અને પાંચ સેતુરના વૃક્ષોનું યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત 28 ભવનોમાં વૃક્ષોનું રોપણ કરાશે