સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે વિદેશી રોકાણકારો હવે ફરી પાછા ભારતીય શેરબજાર તરફ વળ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીએ નવા માસ અને નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે કરી છે. સેન્સેક્સ નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ રોકાણકારોની મૂડી રૂ. 2.57 લાખ કરોડ વધી છે.
સેન્સેક્સ 10.45 વાગ્યા સુધીમાં 265 પોઈન્ટ ઉછળી 79297ના હાઈ લેવલે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સેન્સેક્સે 79671.58ની ઐતિહાસિક ટોચ નોંધાવી હતી. નિફ્ટી 50 આજે સમાચાર લખાયા ત્યાં સુધી 70 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 11.00 વાગ્યે નિફ્ટી 75.80 પોઈન્ટ ઉછળી 24086.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 203.81 પોઈન્ટ ઉછળી 79236 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- Advertisement -
FIIનું 3.2 અબજ ડોલરનું રોકાણ
વિદેશી રોકાણકારોએ એપ્રિલ અને મે માસમાં મોટાપાયે વેચવાલી નોંધાવ્યા બાદ જૂન માસમાં આકર્ષક 3.2 અબજ ડોલરની ખરીદી નોંધાવી છે. અગાઉ માર્ચમાં 4.2 અબજ ડોલરની લેવાલી દર્શાવી હતી. જ્યારે એપ્રિલમાં 1.04 અબજ ડોલર અને મેમાં 3.1 અબજ ડોલરની વેચવાલી કરી હતી.
કરેક્શનની શક્યતા વધી
- Advertisement -
ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી સહિત વિવિધ સેક્ટોરલ ઈન્ડેક્સ રોજ નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. આકર્ષક તેજીના કારણે માર્કેટની વેલ્યૂએશન ઉંચી થઈ છે. જેના કારણે ટૂંકસમયમાં એકાદ મોટુ કરેક્શન આવે તેવી શક્યતા માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી અત્યારસુધી 11 ટકા ઉછળ્યો છે.
326 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ, 265 નવી વાર્ષિક ટોચે
બીએસઈ ખાતે આજે 10.53 વાગ્યા સુધીમાં ટ્રેડેડ કુલ 3916 સ્ક્રિપ્સમાંથી 2556 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1182 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 265 શેર્સ નવી વાર્ષિક ટોચે જ્યારે 22 શેર્સ વાર્ષિક બોટમે પહોંચ્યા હતા. 326 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 182 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.