ચાલુ પરીક્ષાએ જવાબો વાઈરલ થયા, શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી
શિક્ષણ સચિવે કહ્યું, પેપરમાં ગેરીરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું
- Advertisement -
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ 10માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એવું અધિકારીઓએ જણાવ્યું છે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. ફેસબુક પર ‘અપના અડ્ડા’ નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે.
ગુજરાતમાં 8 મહિનામાં ચોથું પેપર ફૂટ્યું ?
2021માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડીટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. આમ જુલાઈ 2021થી માર્ચ 2022 સુધીમાં પેપર લીકનો આ ચોથો આક્ષેપ છે. જોકે ખરેખર વન રક્ષકનું પેપર લીક થયું છે કે કેમ તે અંગે હવે તપાસ બાદ જ હકીકત સામે આવશે.