ખાસ-ખબર સંવાદદાતા
500 રૂપિયાની ચલણી નોટોમાં નંબરની વચ્ચે ‘સ્ટાર’ નિશાન જોવા મળતા તે બનાવટી હોવાની આશંકા વ્યકત થવા લાગી હતી પરંતુ રીઝર્વ બેન્કે ચોખવટ કરીને એમ કહ્યુ કે આ પ્રકારની ‘સ્ટાર’ નિશાન ધરાવતી નોટ કાયદેસર અને માન્ય જ છે. કેટલાંક દિવસોથી સોશ્યલ મીડિયામાં સ્ટાર નિશાન ધરાવતી નોટો વાઈરલ થઈ રહી છે અને તેની કાયદેસરતા સામે આશંકા વ્યકત થઈ રહી છે.
લોકોમાં વધતી અવઢવ અને ચિંતાને દુર કરવા રિઝર્વ બેન્ક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈનાં કથન મુજબ સ્ટાર નિશાન કાળી નોટો 2006 થી ચલણમાં છે અને છાપકામ તથા તેનો ખર્ચ સરળ-સસ્તો કરવાનો તે પાછળનો ઉદેશ છે.
- Advertisement -
સ્ટાર નિશાન કેમ લગાવાય છે?
રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે છાપકામમાં ક્ષતિ હોય અથવા કોઈ ભૂલને કારણે ઉપયોગ લાયક ન હોય તેવી નોટોના અને બદલવાના હેતુસર આ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. નોટના પ્રિકીન્સ તથા સીરીયલ નંબર વચ્ચે સ્ટાર નિશાન મુકવામાં આવે છે. કોઈ નોટ ખોટી છપાતા અથવા ખરાબ થવાના સંજોગોમાં સમાન સીરીયલ નંબરની નોટ સ્ટાર સાથે ચલણમાં મુકવામાં આવે છે.