ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રાજપર ગામમાં આવેલ રાજાશાહી વખતના એરપોર્ટને રીડેવલોપમેન્ટ કરીને ડોમેસ્ટિક ફ્લાઈટ માટે એરપોર્ટ બનાવવા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે જમીન ફાળવવામાં આવી હતી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા બાઉન્ડ્રી વોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે દીવાલની મોટાભાગની કામગીરી પૂર્ણ થયા બાદ અચાનક આસપાસ ગ્રામજનોએ તેમની ખેતરોમાં આવવાં જવાનો રસ્તો બંધ થતો હોવાનું જણાવી વિરોધ કર્યો હતો જેને પગલે આ કામગીરી અટકી પડી હતી. 60 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોના વિરોધના કારણે બાકીની કામગીરી અટકી પડી હતી અને હવે નવી સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે પેન્ડીંગ કામગીરી તેજ કરી દેવાઈ છે. મોરબી એરપોર્ટની છ મહિનાથી લટકી પડેલી એરપોર્ટ બાઉન્ડ્રી વોલની કામગીરી ફરી તેજી પકડે તેવી સંભાવના વધી છે. આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની એક ટીમે રાજપર ખાતે એરપોર્ટના સ્થળે મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં જવાં આવવાનો રસ્તો બંધ થતો હોવાનું કારણ આપી કામગીરી અટકાવી હોવાનો મુદો ઉઠતા અધિકારીઓ દ્વારા ખેડૂતો માટે એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી જેથી અધિકારીઓની ખાતરી બાદ ખેડૂતો માટે શું વ્યવસ્થા થશે કે શું એમના માટે અન્ય રસ્તો બનાવી દેવાશે કે કેમ તે સમય આવ્યે ખ્યાલ આવશે. હાલ એરપોર્ટ ઓથોરીટીની ટીમની મુલાકાત બાદ એરપોર્ટની કામગીરી ફરી આગળ વધશે તેવી સંભાવના વધી છે.
અટકેલી મોરબી એરપોર્ટની કામગીરી ફરી તેજ બનશે, બાઉન્ડ્રી વોલનો પ્રશ્ન ઉકેલાયો
