અબતક સુરભી મહોત્સવનો 19માં વર્ષમાં પ્રવેશ: ખેલૈયાઓને નવ દિવસ મળશે નવું નજરાણું
અબતક સુરભીના આયોજક વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, અશ્વિન ભુવા,પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઇ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, જીગર ભટ્ટ સહિતની ટીમ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે આવી હતી અને રાસોત્સવ વિશે ખાસ-ખબરના ખઉ પરેશ ડોડિયાને માહિતી આપી હતી.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાસોત્સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. રાજકોટની મધ્યમાં આવેલા રેસકોર્સ રીંગરોડ એ શહેરની શાન સમાન ગણવામાં આવે છે રેસકોર્સ રીંગ રોડ પર રાત પડે ને દિવસ ઉગે છે. રાજકોટિયન્સની ફરવા માટેની પ્રથમ પસંદ રેસકોર્સ રીંગ રોડ જ હોય છે. જ્યાં લોકો રાત્રે પરિવાર સાથે ખાણીપીણીની મોજ માણવા માટે આવે છે. જ્યાં વરસાદમાં મ્હાલવાનો એક અદભુત લ્હાવો હોય છે. ત્યાં આવેલા માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં કે જ્યાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓ મહેમાન બનીને આવી ચૂક્યા છે. જ્યાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ રમાઈ ચૂક્યા છે. જ્યાં દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન થાય છે. ત્યાં અબતક સુરભી રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.22થી સતત 9 દિવસ સાંજ પડતાની સાથે જ અબતક સુરભી રાસોત્સવનો સૂર્યોદય થશે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત 18 વર્ષથી અબતક સુરભી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 19માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે.
એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો, સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા , એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ્ સિસ્ટમ, અલ્ટ્રા મોર્ડન ઇન્સ્ટ્રુમેન્ટસ, ચુનંદા સાજીંદાઓ ખેલૈયાઓનો જોમ જુસ્સો વધારશે. સંપૂર્ણ પારિવારીક માહોલામાં આ રાસોત્સવની ઉજવણી થશે. આ રાસોત્સવમાં પાન-માવા-ફાંકી લઈને અંદર જવાની મનાઈ છે. સુરીલા ગાયક કલાકારો મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમ સહિત એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ખેલૈયાઓને ગરબા પર થીરકવા મજબૂર કરશે. ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્ત પોષાક, ભાતીગળ ભરતકામ યુક્ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરશે. રાસોત્સવની વિશેષતા મુજબ એમ.આઇ.બાર એન્ટ્રી ગેટનાં આકર્ષક કોન્સેપ્ટ સાથે અબતક-સુરભિ રાસોત્સવનો ભવ્ય પ્રારંભ થશે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેંચાણ શરૂ થઇ ચૂકયું છે.