ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
વર્ષ 2024નો આજે છેલ્લો રવિવાર છે. હવે પછીના ત્રણ રવિવાર બાદ 20 જાન્યુઆરી, 2025ના જે સોમવાર આવશે એ દિવસે બીજી વાર ચૂંટાઈ આવેલા અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પદાર્પણ કરશે અને અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે એમનાં ચાર વર્ષના શાસનકાળમાં એમણે ઈમિગ્રેશનની બાબતમાં જાતજાતનાં પગલાંઓ લીધાં હતાં. આ વખતે તો તેઓ એ બાબતમાં વધુ આક્રમક બનશે એવું એમણે એમના ચૂંટણી ઢંઢેરામાં જે જે કહ્યું હતું એના ઉપરથી સૌને લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે ઈમિગ્રન્ટોએ અમેરિકાને ‘કચરાનો ડબ્બો’ (ગાર્બેજ કેન) બનાવી નાખ્યો છે. અમેરિકાના બંધારણમાં 14મા સુધારા દ્વારા જે ‘બર્થ સિટિઝનશિપ’ બક્ષવામાં આવી છે, એટલે કે અમેરિકાની ધરતી ઉપર જે કોઈ પણ બાળક જન્મ લે એને અમેરિકાનું નાગરિકત્વ બક્ષવામાં આવે છે, એની માનું સ્ટેટસ લિગલ હોય કે ઈલ્લિગલ એની પરવા કર્યા સિવાય આ હક એ બાળકને પ્રાપ્ત થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પને આ બર્થ સિટિઝનશિપ બિલકુલ પસંદ નથી. આવી રીતે જન્મ લેતાં બાળકોને તેઓ ‘એન્કર બેબી’ કહે છે.
- Advertisement -
આ બાળકો જ્યારે પુખ્ત વયનાં થાય છે ત્યારે એ લોકો એમનાં મા-બાપોને ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ એકાદ વર્ષમાં જ અમેરિકામાં કાયમ રહેવા માટેનું ગ્રીનકાર્ડ અપાવી શકે છે. રોજના સેંકડોની સંખ્યામાં પરદેશીઓ, એમાં પણ ખાસ કરીને મેક્સિકનો, ફિલિપિનિયો, પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ, ચીનાઓ તેમ જ ભારતીયો મેક્સિકોની સરહદ ઉપર આવીને અમેરિકામાં ‘અસાયલમ’ માગે છે. આમાંના મોટા ભાગના જૂઠાણાંનો આશરો લેતા હોય છે. એમના દેશમાં એવી કોઈ જ પરિસ્શિતિથી નથી હોતી કે જેથી એમના પોતાના દેશમાં રહેતાં એમને ભય લાગે. ડોનાલ્ડ ટ્રમ્પ આ સર્વે અસાયલમ માગનારાઓ ઉપર કોઈ ને કોઈ રીતે પ્રતિબંધ લાદવા ઈચ્છે છે. તેઓ અમેરિકા અને મેક્સિકોની સરહદ ઉપર ચીનમાં જેમ ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના’ છે, એમ એમની સરહદ ઉપર એક દીવાલ ચણવાનો વિચાર ધરાવે છે, જેથી જમીનમાર્ગે ગેરકાયદેસર પરદેશીઓ અમેરિકામાં ઘૂસી ન શકે અને અસાયલમ માગી ન શકે. એવું જાણવામાં આવ્યું છે કે વિઝા ક્ધસલ્ટન્ટો અસાયલમ કેમ કરતાં માગી શકાય અને માગણી સાચી છે એ ઠેરવવા માટે શું શું પૂર્વતૈયારીઓ કરવી જોઈએ એવું શીખડાવતા ક્લાસીસ ચલાવે છે. આ ક્લાસમાં સ્ત્રીઓને એવું શીખડાવમાં આવે છે કે એમણે એમનાં સાસુ-સસરા, નણંદ, દિયર, જેઠ-જેઠાણી સમક્ષ થોડા થોડા દિવસે પોલીસમાં ફરિયાદ કરવી અને જણાવવું કે આ બધા કુટુંબીજનો એમને જુદી જુદી રીતે ત્રાસ આપે છે. શહેરની પોલીસ એમને રક્ષણ આપતી નથી. પુરુષોને એવું શીખડાવવામાં આવે છે કે એમણે છાશવારે એમની શહેરની પોલીસમાં ફરિયાદ કરવી કે એમને ધર્મના કારણે, આર્થિક પરિસ્થિતિના કારણે, અમુક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે એ માટે એમને સતત એમના શહેરના લોકો હેરાન કરે છે, એવી ધમકીઓ આપે છે કે જો તેઓ એમના વિચારો બદલશે નહીં તો એમનું આવી બનશે. પૈસાપાત્ર લોકોને એવું સમજાવે છે કે એમણે પોલીસમાં ફરિયાદ કરવી કે એમની પાસેથી અજાણી વ્યક્તિઓ ખંડણી માગે છે. આવા આવા કીમિયાઓ વિઝા ક્ધસલ્ટન્ટો અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા લોકોને શીખવાડે છે અને પછી એમની પાસેથી લાખો રૂપિયા લઈને એમને પૃથ્વીની પ્રદક્ષિણા કરાવીને મેક્સિકોની સરહદ ઉપર લઈ જાય છે.
ત્યાંથી અમેરિકામાં ઘૂસવાના રસ્તાઓ સૂઝાડે છે. અનેકોને ચાલતાં ચાલતાં અમેરિકા જવાનું કહે છે. કેટલાયને ભોંયરાઓ ખોદીને મેક્સિકોમાંથી અમેરિકામાં ઘુસાડે છે. ટાંકીઓ ધરાવતી મોટરવાનમાં અનેકોને સંતાડીને અમેરિકામાં ઘુસાડે છે. આવા આવા જાતજાતના કીમિયાઓ અખત્યાર કરીને તેઓ અમેરિકાના સ્વપ્નાં સેવતા ભારતીયોને અમેરિકામાં ઘુસાડવાના પ્રયત્નો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ બધાની સામે સખત હાથે કામ લેવાનું વિચારી રહ્યા છે. બોર્ડર ઉપરના પોલીસ અધિકારીઓ તેમ જ ઈમિગ્રેશન ઓફિસરની સંખ્યામાં વધારો કરવામાં અને એમને વધારાની સત્તા આપવાનો વિચાર કરી રહ્યા છે. ટ્રમ્પે એવું પણ જાહેર કર્યું છે કે તેઓ જે દિવસે અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કરશે એ જ દિવસે તેઓ અમેરિકામાં વસતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર ધકેલી દેશે. સૌપ્રથમ તેઓ જેઓ ગુનેગાર છે, જેઓ અમેરિકાની જેલોમાં શિક્ષા ભોગવી રહ્યા છે, જેમની સામે અમેરિકાની કોર્ટે વોલેન્ટેરી ડિપાર્ચના હુકમો ફરમાવ્યા છે એમને અમેરિકા બહાર મોકલી આપશે. એમણે એવું જાહેર કર્યું છે કે કદીયે કોઈએ વિચાર્યા નહીં હોય એવાં પગલાં તેઓ અમેરિકામાં વસતા ગેરકાયદેસર પરદેશીઓ સામે લેશે.
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવું, રહેવું, કામ કરવું, એ ખોટું તો છે જ. આવું કૃત્ય કાયદાનું ઉલ્લંઘન કરે જ છે, પણ આમાં જવાબદાર અમેરિકનો પણ છે. અમેરિકા ભારત કરતાં ત્રણ ગણો વિશાળ દેશ છે પણ એની વસતિ ભારત કરતાં ત્રણ ગણાથી ઓછી છે. મોટા ભાગના અમેરિકનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું ટાળે છે. એમને હલકું કામ કરવાનું પણ ગમતું નથી. આજે અમેરિકામાં ભણેલાગણેલા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોેની પુષ્કળ ખોટ છે. નીચલા વર્ગનું કામ કરનારાઓ પણ અમેરિકામાં મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એમનાં ખેતરોમાં તો પચાસ ટકા લિગલ ઈમિગ્રન્ટો અને પચ્ચીસ ટકા ઈલ્લિગલ ઈમિગ્રન્ટો કામ કરે છે. ઈલ્લિગલ ઈમિગ્રન્ટોનો પ્રશ્ર્ન અમેરિકા માટે કંઈ આજનો નથી. વર્ષોથી આ પ્રશ્ર્ન એમને સતાવે છે. હવે ટ્રમ્પ આનો ઉકેલ કેમ કરતાં લાવશે એની અટકળો ફક્ત અમેરિકનો જ નહીં, વિશ્ર્વના બધા લોકો કરી રહ્યા છે.