નાના બાળકોને બપોરે 1થી 7 વચ્ચે બહાર તડકામાં લઈ જવા નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ હાલ ભારે ગરમીના લીધે લૂ લાગવાની શક્યતાઓ રહેલી હોય છે, ત્યારે ખાસ કરીને નાના બાળકોને લૂ લાગવાથી બચાવવા માટે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. આ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને ઉપયોગી સૂચનાઓ બહાર પાડી છે.
બાળકોને તાવ હોય તો માટલા જેટલા ઠંડા પાણીથી (બરફ જેવું ઠંડું નહીં) બાળકોને કપડાં ઢાંકીને ભીનો કરીને એમ જ સુકાવા દેવો. તે જ પાણીના પોતા મૂકવા અથવા ભીની ચાદર નીચે રાખવું. ગરમ પવન વાળી બારીઓ બંધ રાખવી. ઉપરાંત એ.સી.નું તાપમાન 23-25 ડિગ્રી રાખવું.દવાખાને જવાની આવશ્યકતા ઉભી થાય તો સુતરાઉ કાપડથી ઢાંકીને જ લઈ જવું તેમજ ખુલ્લા વાહનમાં ન લઈ જવું. ઉપરાંત બાળકને માતાના ખોળામાં જ રાખવું અથવા માતાની કે કોઈની છાતી પર લગોલગ રાખવું. બાળક જો મોથી પીવાનું બંધ કરે તો દવાખાને જવું.એક દવાખાનેથી બીજા દવાખાને જવાનું થાય તો પહેલાં પાણીથી ભીંજવી તાવ ઓછો કરીને જ બાળકને લઈ જવું. વધારે તાવ સાથે ભરબપોરે ગરમ પવન લાગે તેમ જવું નહીં. ઉપરાંત તાવની દવા વારંવાર ન આપતા એક જ વાર આપવી તેમજ તાવ ઉતારવા માટેનું ઇન્જેક્શન આપવું નહીં.
બાળકને ધાવણ આપવાનુ ચાલુ જ રાખવું, ધાવણ વધારે આવે તે માટે માતાએ ખૂબ જ પાણી પીવું. આ સાથે બાળકને વધુ વખત છાતી પર લેવું. 6 માસથી મોટા બાળકને ધાવણ ઉપરાંત વધારે પ્રવાહી પણ પીવડાવવું જેમ કે, લીંબુ શરબત, નમક સાથે છાશ વગેરે આપવું તેમજ ડીલીવરી પછી જ તરત જ સીજેરીયાનો કરેલ હોય તો પણ બાળકને સૂઈ ગયેલી માતાની છાતી પર આડુ મૂકીને ધાવણ શરૂ કરાવવું. બાળકને અલગ ઘોડિયામાં ન રાખવું તેમજ માતા કે કોઈ બીજી સ્ત્રી ના ખાટલા પર જ રાખવું જરૂરી છે.