શ્રાવણ માસ સુદ પંચમીએ શ્રી સોમનાથ મહાદેવને તેમના પરમ ભક્ત નાગરાજ વાસુકીના રૂપે વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તથા બિલીપત્ર વડે વિશેષ કલાત્મક રીતે નાગરાજ વાસુકીની પ્રતિકૃતિ રચવામાં આવી, જે તેમના શ્રદ્ધા અને સમર્પણના ચિહ્ન રૂપે મૂર્તિમંત થઈ હતી. પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દાનવો સામસામે આવી ગયા હતા, ત્યારે નાગરાજ વાસુકીએ પોતે નાગોનો રાજા હોવા છતાં ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ પોતાને દોરડા તરીકે ઉપયોગ કરવા પ્રસ્તુત કરેલ. તેમનું જીવન બોધ આપે છે કે સાચી ભક્તિ માત્ર પૂજનમાં નહિ, પણ સંપૂર્ણ સમર્પણમાં છે અને તેથી જ વાસુકી શિવજીના કંઠમાં સ્થાન પામે છે. વાસુકી નાગનો ઉલ્લેખ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે પણ થાય છે. મત્સ્ય અવતારની કથામાં ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને કહ્યું હતું કે, પ્રલય સમયે તમે વાસુકીની મદદથી નૌકાને મારા શિંગ સાથે બાંધજો, જેમાં જીવન અને વેદો સહીત સમગ્ર સૃષ્ટિનું રક્ષણ થશે અને પુન: રચના શક્ય બનશે. શ્રી સોમનાથ મહાદેવનો આ શ્રૃંગાર દર્શન માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ વાસુકીની જેમ નિ:સ્વાર્થ સેવા, ભક્તિ, તપ અને સમર્પણનો માર્ગ અપનાવીએ તો મહાદેવની કૃપા નિત્ય જીવને વરસે છે તે આ શ્રૃંગારથી જીવંત અનુભવી શકાય છે.
સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પંચમી પર કરાયો વાસુકી નાગ દર્શન શૃંગાર

Follow US
Find US on Social Medias