આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી-
જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે!
હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતાં વિડીયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતાં આ વિડીયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતાં, હિન્દુ ધર્મનાં અમુક સંપ્રદાયોનાં કહેવાતાં સંતો જ મૂકી રહ્યાં છે. કહો કે, તેમનાં આ વિડીયોઝ લીક થઈ રહ્યાં છે. સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાનાં આવા ભૂંડા વિડીયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત-સખત-અવિરત બાખડતાં રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વૉશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલાં શબ્દો નથી, સ્લીપ ઑફ ટન્ગ નથી.
- Advertisement -
કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે !
જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે.
એક ટીલાં-ટપકાંધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, “સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ કારણ પૂછયું તે મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછયું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે, એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!” બીજો એક ભગવાધારી કહે છે કે, એક વખત સ્વામીજીને કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માંગે છે. સ્વામિજીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યાં પછી એ કહે છે કે, ‘તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટ્વીન ધ લાઈન્સ કહે છે કે, સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.
- Advertisement -
આવા વિડીયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાનાં આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની-નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાંખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્ત્વગુણી કહ્યાં તો મહાદેવને ધમાલીયા કહ્યાં.
મોરારિબાપુ બહુ વ્હેલાં સમજી ગયા હતાં. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા ન હતાં. બાપુનાં શેટલિયાંઓ પણ ડરનાં માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી નાનાં ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જો કે, બી.એ.પી.એસ. કે સોખડા વિરૂદ્ધ કોઈએ મ્યાંઉ કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.
વાસ્તવિકતા એ છે કે, આ આખું ષડયંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલાં સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીનાં ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.
પોતાનાં બે કોડીનાં, કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મનાં દેવતા કરતાં ચડિયાતાં દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે- એવું જ કંઈક. પરંતુ મિશનરીઓ ઓછાં જોખમી છે, કમસેકમ તેમનાં બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલિસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘુસી ને પગ પહોળાં કરે.
સવાલ એ છે કે, હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે- જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમત્તિ વર્ગ છે- જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.
છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યા, કમર્શિયલ શિક્ષણધામ બનાવ્યા, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમની કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે. પણ, સવાલ એ છે કે, શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે, આપણને આવી ઝાકઝમાળ આંજી નાંખે!