(ગતાંકથી ચાલુ) સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠન અંગે ચાલી રહેલી ચર્ચામાં નવમાંથી ચાર પુસ્તકોમાં સમાવિષ્ટ જ્ઞાનની માહિતી મેળવ્યા બાદ હવે વાતનો દોર પાંચમા પુસ્તકથી આજે આગળ ધપાવીએ.
– પરખ ભટ્ટ
(૫) કમ્યુનિકેશન : આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખાઓ વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે. આજથી બે હજાર વર્ષ પહેલા પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે.
(૬) ગુરૂત્વાકર્ષણ : ગુરૂત્વાકર્ષણ બળની વિરૂદ્ધ જઈ શકવાના રહસ્ય વિશે છઠ્ઠા પુસ્તકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એ સમયમાં પુષ્પક વિમાન સહિતના અન્ય ઉડી શકે એવા ઉડ્ડયનયાનની બનાવટમાં આ પુસ્તકમાંની પદ્ધતિઓનો ઉપયોગ થયો હોવો જોઈએ. ઋષિ ભારદ્વાજના ‘વૈમાનિક શાસ્ત્ર’માં તો કેટલાક એવા વિમાનો અને ઉડ્ડયન-પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી છે, જ્યાં સુધી પહોંચવાનું ગજું આપણા આધુનિક એરોનોટિક્સ પાસે પણ નથી!
- Advertisement -
(૭) વિશ્વ-ઉત્પત્તિ : બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો અને વિશ્વની ઉત્પત્તિ પાછળના કારણોની સમજ સાતમા પુસ્તકમાં અપાઈ છે. તદુપરાંત, પ્રકાશની ગતિ કરતા વધુ ઝડપે કાર્ય કરી શકે એવા રોકેટ્સ, સ્પેસ અને ટાઇમના પરિમાણોને ધાર્યા મુજબ ઉપયોગમાં લેવાની પદ્ધતિ, બે જુદા જુદા પરિમાણ વચ્ચે પ્રવાસ ખેડી શકવાના રહસ્યો અને ટાઇમ-ટ્રાવેલ જેવી આધુનિક વિજ્ઞાનની કલ્પનાઓને વાસ્તવિકતામાં બદલતા સિદ્ધાંતોથી ભરપૂર છે આ પુસ્તક!
(૮) પ્રકાશ : કુદરતી પ્રકાશના સ્વભાવની ઊંડાણપૂર્વક સમજ સમ્રાટ અશોકના આઠમા પુસ્તકમાં સમાવિષ્ટ હોવાની ધારણા છે. પ્રકાશની ગતિ વધારી કે ઘટાડી શકવાના સિદ્ધાંતો તથા વ્યક્તિની ઇચ્છા મુજબ તેને વાળી શકવા માટેના પ્રમેયો અને ત્યારબાદ તેનો ઘાતક લેઝર-લાઇટ તરીકે ઉપયોગમાં લેવાની ટેક્નિક્સનો એમાં સમાવેશ થયો છે.
(૯) સમાજશાસ્ત્ર : સંસ્કૃતિઓના ઉત્થાન અને પતન વિશેની જાણકારી આપતો આ ગ્રંથ, અન્ય પુસ્તકોની સરખામણીમાં મહત્વનો એટલા માટે કહી શકાય કેમકે અહીં સમાજના અલગ અલગ સમુદાયો વિશેની વાત કરવામાં આવી છે. કોઈપણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધઃપતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે, એ જ્ઞાન છેલ્લા પુસ્તકમાં સમાવિષ્ટ છે.
- Advertisement -

કોઈપણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધ:પતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે, એ જ્ઞાન સમ્રાટ અશોકના છેલ્લા પુસ્તકમાં સમાવિષ્ટ છે
તમામ પુસ્તકોના જ્ઞાનને રહસ્ય રાખવાના વચન સાથે સંગઠનના નવ અજ્ઞાત સભ્યો સમય-સમયાંતરે જરૂર પડ્યે એમાંના કેટલાક રહસ્યોનો ખુલાસો કરતા આવ્યા છે. ફ્લાઇટ અને એરોનોટિક્સ વિશેની વાત થઈ રહી હોય કે પછી અણુબોમ્બની, દરેક નવી શોધ પાછળ એમની છૂપી મદદ મળતી આવી છે એવું ઇતિહાસકારોનું માનવું છે. શારીરિક ચિકિત્સા માટેના પ્રેશર પોઇન્ટ્સ અને માર્શલ આર્ટ્સના જુદા જુદા સ્વરૂપો પણ આનું જ પરિણામ છે! કોલેરા અને પ્લેગની રસીની શોધ ન થઈ હોત તો સમગ્ર માનવજાતનું નિકંદન નીકળી જતાં વાર ન લાગી હોત!

મુદ્દો એ છે કે, આધુનિક સમાજને સમ્રાટ અશોકના આ છૂપા સંગઠન વિશેની વાત આખરે મળી ક્યાંથી? શું ખરેખર આ કોઈ કપોળકલ્પિત વિચાર છે કે પછી અણીશુદ્ધ વાસ્તવિકતા? ઇતિહાસમાં આ અંગે કેટલાક ખુલાસાઓ થયા છે, જેમાં એ બાબત પૂરવાર થઈ છે કે દુનિયાના સૌથી જૂના અને ખૂફિયા ગણાતાં આ સંગઠનના અસ્તિત્વને સાવ નકારી દેવા જેવું તો નથી જ!
આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખાઓ વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે, આજથી બે હજાર વર્ષ પહેલા પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે
ગર્બર્ટ દ’ઔરલિયાકમાં દસમી સદીમાં જન્મેલા પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય)નો કિસ્સો ખાસ ટાંકવા જેવો છે. ભારતના પ્રવાસે આવતાં પહેલા તેમણે થોડો સમય સ્પેનમાં ગાળ્યો હતો. તેઓ જ્યારે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે અહીંની સંસ્કૃતિ અને ધર્મનો આસ્વાદ માણીને અભિભૂત થઈ ગયા. થોડા વર્ષો ભારતભૂમિ પર વ્યતિત કરીને તેઓ ફરી પોતાના દેશ પરત ફર્યા, પરંતુ ખાલી હાથે નહીં! તેમની પાસે પિત્તળની ધાતુથી બનેલી એક ખોપરી હતી, જે અત્યારના રોબોટિક-હેડ સાથે મેળ ખાતી હતી. તેને કોઈ પ્રશ્નો પૂછો ત્યારે એ ‘હા’ કે ‘ના’માં જવાબ આપતી હતી. પોપ સિલ્વેસ્ટરની ખ્યાતિ રાતોરાત વધી ગઈ. એ સમયના લોકો માટે જાદુ સમાન એ ખોપરી કોઈ અજાયબીથી કમ નહોતી. એવું માનવામાં આવે છે કે પોપ સિલ્વેસ્ટરે આ ખોપરીનું નિર્માણ સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનના સભ્યો પાસેથી જરૂરી જ્ઞાન મેળવ્યા બાદ કર્યુ હતું.
આટલેથી વાત અટકતી નથી. ભારતમાંથી પરત ફર્યાના થોડા જ સમયની અંદર પોપ સિલ્વેસ્ટરનું આકસ્મિક અને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવું કહેવાય છે કે તેઓ આ બોલતી ખોપરીનો રાઝ વિશ્વ સમક્ષ ખૂલ્લો મૂકવાની તૈયારીમાં હતાં. તેમને આ જ્ઞાન ક્યાંથી લાધ્યું અને ભવિષ્યમાં આગામી નવી પેઢી આવી બોલતી ખોપરીઓ કેવી રીતે બનાવી શકે એ વાતનો તેઓ ખુલાસો કરવાના હતાં. પરંતુ તેમના મૃત્યુની સાથે એમનું રહસ્ય ત્યાં જ દફન થઈ ગયું. બોલતી ખોપરીને તોડી-ફોડીને વિખેરી નાંખવામાં આવી, જેના લીધે તેનું મિકેનિઝમ સમજવાનો કોઈ અવસર ઉભો જ ન થયો!
‘કમ્પ્યુટર્સ એન્ડ ઑટોમેશન’ના ૧૯૫૪ની સાલના અંકમાં પોપ સિલ્વેસ્ટરની આ શોધનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખ્યું છે કે, ‘બેશક, પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) પાસે એમના સમયની સરખામણીમાં એવી અત્યાધુનિક મિકેનિકલ ચીજ હતી, જેના નિર્માણ માટે મોડર્ન-સાયન્સની આવશ્યકતા પડે એમ હતી, જે એ વખતે ઉપલબ્ધ નહોતું!’
પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) એકમાત્ર એવા વ્યક્તિ નહોતાં, જેમને પૌરાણિક સમયના ભારતનું જ્ઞાન હાંસિલ થયું હોય! કેટલીક માન્યતા મુજબ, ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે જાણીતાં નામો-વૈજ્ઞાનિકો જેવા કે, જગદીશચંદ્ર બોઝ અને વિક્રમ સારાભાઈને પણ લોકો સમ્રાટ અશોકના ખૂફિયા સંગઠનનો હિસ્સો માને છે, કારણકે ભારતમાં આધુનિક વિજ્ઞાનની નીંવ રાખનારા વૈજ્ઞાનિકોમાં તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. તદુપરાંત, ફ્રેન્ચ કેમિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ લુઇસ પેસ્તરને પણ સંગઠનના કેટલાક સભ્યો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હોવાની વાત મળી આવી છે.
૧૯મી સદીમાં ફ્રેન્ચ લેખક જેકલ્લિયોટે એ સમયના પોતાના પુસ્તકમાં ઊર્જા, રેડિયેશન અને સાયકોલોજીકલ વૉરફેર વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. એમના પર પણ સંગઠનના સભ્યોનો હાથ હોવાની ધારણા બાંધવામાં આવી હતી. સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનની આ ખૂફિયા વિગતો બહાર પાડનાર વ્યક્તિઓમાં સૌથી મહત્વનું નામ છે, તેલ્બત મુન્ડીનું! જેણે નવે-નવ પુસ્તકોની વિગતો અને સંગઠનના ઇતિહાસ વિશેની છૂપી બાબતો ખોળી કાઢવાનું કામ કર્યાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.
તેલ્બત મુન્ડીએ પોતાના જીવનના ૨૫ વર્ષો ભારતમાં સેવા આપતી ‘બ્રિટિશ પોલીસ ફોર્સ’માં વીતાવ્યા હતાં. તેણે ભારતના ખૂણે-ખૂણામાં ભ્રમણ કરીને સંગઠન વિશે જાણકારી મેળવવાનો દાવો કર્યો હતો. પોતાના પુસ્તક ‘નાઇન અનનોન મેન’ (NINE UNKNOWN MEN)માં તેલ્બતે પોતાની શોધખોળ વિશેની સમગ્ર બાબતો પર પ્રકાશ પાડ્યો છે.
સમ્રાટ અશોકે વાસ્તવમાં આવું કોઈ સંગઠન બનાવ્યું હતું કે પછી આ કોઈના મગજે ઉપજાવી કાઢેલી વાતો છે? હજુ સુધી કોઈ નક્કર પુરાવાઓ નથી મળી શક્યા, જે સંગઠનના અસ્તિત્વને સ્વીકૃતિ આપી શકે. આમ છતાં એટલું તો નક્કી છે કે ઇતિહાસ ક્યારે ય જૂઠી વાતો ન કરે. આટલા બધા લોકોના અનુભવો અને એમની વાતો ફક્ત એક કલ્પના કેવી રીતે હોઈ શકે?



