150 ફૂટ રિંગ રોડ કિડવાઇનગર પાસે વોચ ગોઠવી બે ડ્રગ્સ પેડલરને દબોચી લેવાયા: કાર સહિત કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં પોલીસના અથાગ પ્રયાસો છતાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લેવામાં આવે છે. ત્યારે વધુ એકવાર એસઓજી પોલીસે શહેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડીને એસઓજીએ રૂ. 13 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત કુલ રૂ. 18.74 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. અને આ મામલે મુંબઈનાં શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ કિડવાઇનગર રોડ તુલસીબાગ પાસે સાધના એપાર્ટમેન્ટની સામે મેફેડ્રોન એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ચૌહલા નામના બે શખ્સો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને લઈ એસઓજી પોલીસની ટીમે દરોડો પાડી બંને શખ્સોને ઝડપી લીધા હતા. અને બંને પાસેથી રૂ. 13 લાખનો મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો તેમજ મોબાઈલ અને એક કાર સહિત કુલ રૂ. 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
ડ્રગ પેડલરો વિદ્યાર્થીઓને ડ્રગ્સ વેંચતા હોવાનું અનુમાન
આરોપીઓ ડ્રગ્સ મુંબઈથી લાવતા હતા કે મુંબઈથી તેને સપ્લાયર આપી જતો તે અંગે જાણકારી મેળવવા વધુ તપાસ શરૂ કરાઇ છે. રાજકોટમાં આ બન્ને આરોપી ડ્રગ્સ સ્ટુડન્ટ અને યુવાનોને વેંચતા હોવાનું અનુમાન છે.