સિહોરના જીતુ પાસેથી લીધાની કબૂલાત : સાયલાનો વિનોદ લેવા આવે તે પહેલા પોલીસ પહોંચી ગઈ
વન વિભાગ દ્વારા ફોરેન્સિક રિપોર્ટ અર્થે ઉલટીનું સેમ્પલ કોલકતા લેબમાં મોકલવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં તહેવાર ટાણે સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે આજી ડેમ ચોકડી પાસેથી બાબરાના શખ્સને 50 લાખની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપી લઇ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્ટ એકટ હેઠળ ગુનો નોંધી પૂછતાછ કરતા કરીયાણા ગામના આ શખ્સે સિંહોરના શખ્સ પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો લીધો હોવાની અને સાયલાના શખ્સને આપવા જતો હોવાની કબૂલાત આપતા પોલીસે કુલ 50.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ વન વિભાગની ટીમને સોંપવામાં આવી છે.
રાજકોટમાં દિવાળી પર્વ નજીકમાં આવી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે એએસઆઇ ફીરોઝભાઇ શેખ તથા કોન્સ્ટેબલ રવિરાજ ધગલને ચોક્કસ બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી નજીક સીટી બસ સ્ટોપ પાસે એક શખ્સ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઉભો છે આ ચોક્કસ બાતમી આધારે ટીમે દરોડો પાડી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામના વિરમ મનજી બાવળીયા ઉ.27ને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી 49.80 લાખની શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવતા કબ્જે કરી મોબાઈલ, રોકડ અને બાઈક મળી કુલ 50.15 લાખનો મુદામાલ કબ્જે કરી તેની સઘન પૂછતાછ હાથ ધરી હતી પ્રાથમિક પૂછતાછમાં પકડાયેલ આરોપીને આ વ્હેલ માછલીની ઉલ્ટી ભાવનગર જિલ્લાના સિંહોરના જીતુ સુવાળીયાએ આપી હોવાનું અને સાયલાના વિનોદ નામના શખ્સને આપવાની હોવાની તેમજ 19 લાખમાં તેનો સોદો નક્કી થયો હોવાની કબૂલાત આપી હતી વિરામ રાજકોટ પહોંચી ગયો હતો પરંતુ ડિલિવરી લેવા આવનાર સાયલાનો વિનોદ રાજકોટ પહોંચે તે પહેલાં જ એસઓજીની ટીમ ત્રાટકી ગઈ હતી અને દબોચી લીધો હતો એસઓજીની ટીમે આ વ્હેલ માછલીની ઉલ્ટીની આગળની તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય તેથી વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારીને આરોપી સોંપેલ છે વ્હેલ માછલીની ઉલ્ટીનો ફોરેન્સિક રિપોર્ટ દેશમાં કોલકાતા અને દેહરાદૂનની ફોરેન્સિક લેબમાં જ થતો હોવાથી વન વિભાગ દ્વારા રાજકોટમાંથી પકડાયેલ એમ્બરગ્રીસ કોલકાતા ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.