દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
– પરખ ભટ્ટ
મેઘ ગરજે! સાવજ ગરજે!
કાઠિયાવાડીમાં એક સરસ કહેવત છે, ‘હાવજના ઠેકાણાં ન હોય, સાહ્યબ!’ ચાલુ અઠવાડિયે ગીરનો સિંહ આખાય સોશિયલ મીડિયા પંથકમાં વાયરલ થયો. દેશ-વિદેશના યુઝર્સે તેને હાઇ-પ્રોફાઇલ હોટલમાં ટહેલતો નિહાળ્યો. જૂનાગઢના રેલ્વે-સ્ટેશન પાસે આવેલી સરોવર પોર્ટિકો હોટલના કમ્પાઉન્ડમાંથી કૂદીને બહાર નીકળતો કેસરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. માણસોએ કાપી નાંખેલા જંગલોનો દુષ્પ્રભાવ હવે બાંગ પોકારતો પોકારતો છતો થઈ રહ્યો છે!
- Advertisement -
લે આલે, ઇન્ટરનેટ હજુ પણ ગોકળગાય ગતિએ જ ચાલશે!
સંસદમાં મૂકવામાં આવેલાં રિપોર્ટ મુજબ, ભારત હજુ 5-જી સર્વિસ માટે તૈયાર નથી. અમેરિકા જેવા દેશો 5-જી પ્રવેશી ચૂક્યું છે. ગયા વર્ષે એપલે પોતાનો 5-જી આઇફોન પણ લોન્ચ કર્યો. ભારતમાં શક્યતા સેવાઈ રહી હતી કે મુકેશ અંબાણી 2021ના અંત પહેલાં રિલાયન્સ જીયોનું 5-જી નેટવર્ક લોન્ચ કરશે. પરંતુ લોકસભા સાંસદ શશી થરૂર સાહેબના નિવેદનથી ટેક-વર્લ્ડમાં ચકચાર મચી છે. હજુ બીજા ચાર-પાંચ વર્ષ ભારતમાં 4-જી રહેવું જોઈએ એવું રિપોર્ટમાં જણાવાયું હોવાથી શક્ય છે કે, 2021માં જીયો દ્વારા આપણને 5-જી ન પણ મળે!
ચાર દિવસની ચાંદની અને પછી?!
- Advertisement -
આઠમી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે એક જબરદસ્ત પ્રપોઝલ પર વિચાર કરવાની તૈયારી દાખવી. અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો પોતાના નાગરિકો પાસે અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ કામ કરાવવાનો આગ્રહ રાખે છે. શનિવાર અને રવિવારનો સમાવેશ એમને ત્યાં હોલિ-ડે વીકેન્ડમાં થાય છે. ભારત સરકાર હવે આપણે ત્યાં ચાર દિવસનું અઠવાડિયું બનાવવા માંગે છે. બાકીના ત્રણ દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવાર રજા! એક મિનિટ. આ વાંચીને ખુશીથી ઉછળી પડો એ પહેલાં જણાવી દઉં કે કામના દિવસો ઘટાડવાનો અર્થ ‘મહેનતમાં ઘટાડો’ એવો બિલકુલ નથી. કામના દિવસો ઘટાડવાની સરખામણીમાં સરકાર એક દિવસના બાર કલાક લેખે નાગરિકો પાસે કામ કરાવવાનો વિચાર કરી રહી છે. આ સમય અત્યારે આઠ કલાકનો છે! હવે જોઈએ, આગામી દિવસોમાં ભારતને ફોર-ડે વીક મળે છે કે નહીં!
સ્ટેન્ડ-અપ કોમેડીને તિલાંજલિ!
કોન્ટ્રોવર્સિયલ સ્ટેન્ડ-અપ કમેડિયન મુનવ્વર ફારૂકીનો 1લી જાન્યુઆરીએ ઇન્દૌરમાં શો ગોઠવાયો હતો. જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તા અને મંત્રીના દીકરાએ આવી ચડ્યા અને મુનવ્વરનો કાઠલો ઝાલી તેને જેલભેગો કર્યો. કારણ હતું, એક એવો ચુટકુલો જે ધાર્મિક લાગણી દુભાવનારો હતો. સ્ટેન્ડ-અપ કોમેડી અને ઑટીટી પ્લેટફોર્મ આજકાલ માઝા મૂકી ચૂક્યા છે. એક બાજુ ‘તાંડવ’ જેવી વાહિયાત વેબસીરિઝ વિવાદો સર્જીને સુપરહિટ બની જાય છે, તો બીજી બાજુ કુણાલ કામરા અને મુનવ્વર ફારૂકી જેવા આડા ફાટેલા કમેડિયન્સ ધર્મનો ધજાગરો કરતા ફરે છે. 1લી જાન્યુઆરીએ મુનવ્વરને જેલ થયા બાદ છેક હમણાં તેને જમાનત મળી. બહાર આવતાંવેંત તેણે પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક જાહેરાત મૂકતાં કહ્યું, ‘મુનવ્વર ફારૂકી હવે સ્ટેન્ડ-અપ કોમેડી ત્યાગી રહ્યો છે!’
રિક્ષાચાલકની દીકરી મિસ ઇન્ડિયા 2020 રનર-અપ
મહેનત કરવાની ધગશ અને સતત કંઈક નવું શીખતાં રહેવાની તમન્ના દિલમાં હોય તો સફળતા હાથવેંત છેટી હોય છે, એનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે ‘એફબીબી ફેમિના મિસ ઇન્ડિયા 2020’માં રનર-અપ બનેલી માન્યા સિંઘ! પિતા વર્ષોથી રિક્ષાચાલક. ઉત્તરપ્રદેશમાં જન્મીને મોટી થયેલી માન્યા સિંઘ ચાલુ અઠવાડિયે મિસ ઇન્ડિયાની રનર-અપ બનીને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. રિક્ષાચાલક પિતા સાથેનો તેનો ફોટો ધડાધડ વાયરલ થયો. તેણે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, ‘અત્યારે હું ભલે ગ્લેમરસ ફિલ્ડના શિખર સુધી પહોંચી ગઈ હોઉં, પરંતુ મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે હું કંઈ જમી ન હોય! ઊંઘ વગરની રાતો મેં સડક પર વીતાવી છે. 14 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી. હોટલોમાં થાળી-વાસણ ધોયા, કોલ-સેન્ટર્સમાં રાતની નોકરીઓ કરી.’ માન્યા સિંઘની આ સ્ટ્રગલ સ્ટોરી ભારતીયોના હૃદય તાર ઝણઝણાવતી ગઈ.
ફિલ્મો પણ હવે હાઇબ્રિડ!
કરણ જોહરની આગામી ફિલ્મ ‘લાઇગર’ની રીલિઝ ડેટ 9મી સપ્ટેમ્બર, 2021 જાહેર કરવામાં આવી. લાઇગર શબ્દ એ વાસ્તવમાં બે અલગ અલગ શબ્દો ‘લાયન’ અને ‘ટાઇગર’નો બનેલો સંધિશબ્દ છે. આજકાલ માદા સિંહ-નર વાઘ અને માદા વાઘ-નર સિંહના અરસપરસ પ્રજનનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે, જે ખરેખર અત્યંત ચિંતાજનક બાબત છે. બાહુબલિ જેવી ફિલ્મોના આગમન બાદ હવે બોલિવૂડ ફિલ્મ-મેકર્સ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ભયંકર રસ લેતા થઈ ગયા છે. દેવરા કોંડા, અનન્યા પાંડે, પુરી જગન્નાથ સ્ટારર લાઇગર ફિલ્મ પણ આવું એક સંમિશ્રણ છે, જેમાં બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયાનો સમન્વય જોવા મળશે. નોંધવાનું એ રહ્યું કે, ફિલ્મોનું આ ક્રોસબ્રિડ સફળ નીવડે છે કે નહીં!