દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત…
પરખ ભટ્ટ
રે માનવી, તારી પશુતા!
સુરતના ભેસ્તાન વિસ્તારની એક ઘટના આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર ભયંકર વાયરલ થઈ. વાત છે પશુ સાથે થયેલાં નિર્મમ અત્યાચારની! વિનાયક સોસાયટીના કેટલાક રહેવાસીઓએ ભેગા મળીને ત્રણ કૂતરાને ઝેર આપી મારી નાંખ્યા. જેમાંથી એક કૂતરીના પેટમાં ચાર બચ્ચા ઉછરી રહ્યા હતાં. રહેવાસીની ફરિયાદ હતી કે કૂતરા અવાર-નવાર હેરાન-પરેશાન કરી નાંખતા હતાં. ફક્ત આટલા કારણોસર તેઓએ ત્રણેય કૂતરાના ચિકનમાં ઝેર ભેળવી દીધું, જેને લીધે બિચારા મૂંગા પશુ તરફડી તરફડીને મૃત્યુ પામ્યા. આ વીડિયો તો વાયરલ થયો જ, પરંતુ સાથો-સાથ ગુજરાતી યુટ્યુબર ‘લાલભાઈ’એ આ ઘટના પર હૈયાવરાળ ઠાલવતો એક વીડિયો બનાવ્યો, જેને પણ સોશિયલ મીડિયા યુઝર્સે ઘર ઘર સુધી પહોંચાડ્યો. આનું પરિણામ એ આવ્યું કે કેટલાય નોન ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (એન.જી.ઓ.)એ પોલીસ ફરિયાદ નોંધાવી. આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં બની શકે કે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હોય!
- Advertisement -
‘દેસી ગર્લ’નું લેખનક્ષેત્રે પદાર્પણ
પ્રિયંકા ચોપરા જોનસને હવે ફક્ત ભારતીયો જ નહીં, પરંતુ પ્રત્યેક હોલિવૂડ-લવર પણ બહુ જ સારી રીતે ઓળખે છે. લોકડાઉનનો સદુપયોગ કઈ રીતે કરી શકાય તેનું તાજું ઉદાહરણ પ્રિયંકાબહેને પૂરું પાડ્યું છે. એક બાજુ નેટફ્લિક્સ પર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે તેણે નિર્માણ કરેલી ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’ ધૂમ મચાવી રહી છે. તો બીજી બાજુ, લોકડાઉનના કેટલાક મહિનાઓ દરમિયાન તેણે અમેરિકામાં બેસીને પોતાની જાતે લખેલી ઑટોબાયોગ્રાફી પુસ્તક જગતમાં તહેલકો મચાવી રહી છે. પ્રિયંકાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના પાસાં ખોલતાં કેટલાક તથ્યો તેની આત્મકથા ‘અનફિનિશ્ડ’માં લખ્યા છે. પ્રિ-બુકિંગ શરૂ થતાંના ગણતરીના કલાકોની અંદર જ આ ઑટો બાયોગ્રાફી વર્લ્ડ બેસ્ટ-સેલર બની ગઈ છે. પ્રિયંકાનો એક ચોંકાવનારો ખુલાસો એમાં સામેલ છે, જે મુજબ તે સ્વીકારે છે કે ચામડી કે ત્વચાની ગોરી કરતી ક્રીમની જાહેરાતોમાં કામ કરવું એ તેના જીવનની ભૂલ હતી!
‘મિન્ત્રા’નો માર્કેટિંગ મંત્ર કે પછી બીજું કંઈક?
- Advertisement -
મિન્ત્રાના લોગોમાં દેખાતી આભાસી ‘અશ્ર્લીલતા’ આ અઠવાડિયે બહુચર્ચિત રહી. કોઈ વાદ-વિવાદ કે દલીલ વગર મિન્ત્રાએ જે રીતે પોતાનો બ્રાન્ડ-લોગો બદલ્યો, એને ઘણા લોકો માર્કેટિંગ સ્ટંટ માને છે. કેટલાક નોન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા થયેલી ફરિયાદ મુજબ, મિન્ત્રાનો લોગો પ્રેગનન્ટ સ્ત્રીના ડિલીવરી-પોઝનું સૂચન કરે છે. આથી વિવાદને આગળ વધતો અટકાવવા માટે મિન્ત્રાએ પોતાના લોગોમાં નાનકડો ફેરફાર કરી નાંખ્યો. પરંતુ આ ઘટના પછી મોટાભાગના ભારતીયોએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, એમને મિન્ત્રાના પૂર્વ-લોગોમાં કોઈ બિભત્સતા નહોતી દેખાઈ.
જેફ બેઝોસનું વાનપ્રસ્થ!
હમણાં સુધી વિશ્ર્વના સૌથી વધુ ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમાંક પર રહેલાં જેફ બેઝોસે એમેઝોનના ચેરમેન પદ છોડવાની જાહેરાત કરી. એમના આ અણધાર્યા પગલાંથી બિઝનેસ જગત ખળભળી ઉઠ્યું છે. ચેરમેન-પદ છોડવાનું કોઈ ચોક્કસ કારણ જેફ બેઝોસ તરફથી જાણવા નથી મળ્યું. વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ એમેઝોન પોતાનું નેટવર્ક પાથરી ચૂક્યું છે. ભારતમાં પણ તેના મૂળિયા ખાસ્સા ઊંડા ઉતરી ગયા છે. 2021ની શરૂઆતમાં જ જેફ બેઝોસને પાછળ છોડીને ટેસ્લાના માલિક એલન મસ્ક વિશ્વના નંબર-1 અબજોપતિ બન્યા. અને આવી પરિસ્થિતિ વચ્ચે, જેફ બેઝોસના અચાનક વાનપ્રસ્થની જાહેરાત ચોંકાવનારી છે.
ગ્રેટા, રિહાન્ના અને મિયા ખલીફાનો સામૂહિક હુમલો!
દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનનો હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પડધો પડવા લાગ્યો છે. 26મી જાન્યુઆરીની લોહિયાળ ઘટના બાદ હવે આંદોલન સતત ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. એક બાજુ મોદી સરકાર કિસાનબિલ પાછું લેવાના મૂડમાં નથી, તો બીજી બાજુ ખેડૂતો પણ વાટાઘાટ કરવા ઇચ્છતાં નથી. એમાં પણ ખાસ કરીને રાકેશ ટિકૈત ચિત્રમાં આવ્યા ત્યારથી આંદોલનને નવો વેગ મળ્યો છે. આ જ્વાળામાં ત્રણ ઇન્ટરનેશનલ પર્સનાલિટીના સ્ટેટમેન્ટને લીધે હોબાળો વધ્યો છે. ક્લાયમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગ, ઇન્ટરનેશનલ સિંગર રિહાન્ના અને પોર્નસ્ટાર મિયા ખલિફાએ ખેડૂત આંદોલનને ટેકો નોંધાવ્યા બાદ ટ્વિટ્ટર પર આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ દેશના જનસમૂહોનો ટેકો મળી રહ્યો છે. કંગના રનૌતે રિહાન્નાને ‘મૂર્ખ’ કહીને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની ચાલ બેકફાયર થઈ અને તે સોશિયલ મીડિયા પર ભયંકર ટ્રોલ થઈ. અધૂરામાં પૂરું, હવે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હારિસની ભત્રીજીએ પણ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.