પરમકૃપાળુ, ભારતકુળભૂષણ, દશરથનંદન, ભગવાન શ્રીરામ
ભારતવર્ષમાં આપનો જય જયકાર થઈ રહ્યો છે એટલે મને પણ એવું થાય છે કે હુંય થોડું લખું. ભગવાન રામ એટલે જિંદગીનો પર્યાય. પ્રભુ! આપ ઋષિ વાલ્મિકીની સત્ય – પ્રેમ – કરુણાનું મધુર શ્લોકગાન છો .આપ સતત પ્રેમનો ધોધ વહાવો છો, તમે પ્રેમી નથી છતાં સૌ કોઈ આપના પ્રેમમાં પડી જાય છે. તમે એટલે અવધપૂરીમાં વર્ષો બાદ પ્રગટ થયેલી દિવ્યતા જે આખા જગતને ધન્ય કરનારી અને પાવનકારી છે. અંધારાના પડળોને ચીરીને વરસો બાદ અંકુરિત થયેલું બીજ અને મહારાજા દશરથનો પ્રાણ એટલે રામ. ત્રેતાયુગનું ઊજળું અજવાળું એટલે મારા રામ.
- Advertisement -
રામ એટલે ગુરુ વિશ્વામિત્રનો હાશકારો. દંડકવનમાં દંડક બનીને ચોતરફ ફરતું તીર એટલે રામ. જાનકીએ મેળવેલું પ્રેમનું ઔષધ જે આપે વનની વસમી ઘડીએ પણ જાળવી રાખ્યું. અને છતાં હું મૂઢ આપને એમ કઈ રીતે કહી શકું કે આપ પ્રેમી નથી? હા પ્રભુ! આપનો પ્રેમ કૃષ્ણ જેવો નથી, શાંત – ગંભીર – ગહન છે. નહિતર એવો કયો દીકરો હોય કે જે સાવકી માતાના એક વચનથી હસતાં મોઢે વનવાસ સ્વીકારે? શું તમને પણ રાજ્યાભિષેકનો મોહ ના હોય? તમે ના રાખ્યો કેમ કે આપ સર્વ મોહથી પર એવા પરમેશ્વર છો, મારાં આરાઘ્ય છો. વનની વસમી વાટે તમે જે ગુમાવ્યું એનો હિસાબ તો કેમ મંડાય? પણ દુનિયાએ જે મેળવ્યું એ ખરેખર સુખદાયી છે. રાવણતાને પાઠ ભણાવવાની આપની આ કુનેહ અને પદ્ધતિને કારણે જ તમે અમારા હૃદયમાં છો. આખું જગત તમારી પાસેથી મિત્રતાના પાઠ શીખે તો યુદ્ધો અટકી જાય.
રામ એટલે તુલસીનો વિશ્વાસ… રામ એટલે માતા શબરીની આશ… રામ એટલે પવનપુત્રનું માન… રામ એટલે લક્ષ્મણનું અભિમાન…
આપ સર્વજ્ઞાતા છો, અંતર્યામી પણ છો અને કરુણાના મહાસાગર પણ છો. મારી દરેક વાતને, દરેક દુ:ખને પળમાં કળી જનારા એવાં આપ વિશે કંઈ પણ વિધાન કરવું એ ગાગરમાં સાગર સમાવવા જેવું. હે પરમકૃપાળુ! થોડાં શબદપુષ્પ અર્પણ કરી હું મૂઢ આપને વારે વારે પ્રણમું છું…
…ગીત…
સૌનું દુ:ખ પોતીકું સમજી જીવ્યે રાખે ધીર…
તો તિલક કરે રઘુવીર…
તિલક એટલે…
પુત્રયજ્ઞથી રાજી થાતાં અવધપુરીના દ્વાર,
ચરણસ્પર્શના અહોભાગ્યથી અહલ્યાનો ઉદ્ધાર.
રાજપાટ નહીં, કૈકયી દ્વારા જંબુદ્વિપથી દૂર જવા ફરમાન.
વલ્કલ પહેરી, ચૌદ વરસ લગ વનવન ભટકે પિતૃભક્તિનું ભાન.
મન સમદરને બાંધી તાણે પથ્થરની લકીર…
તો તિલક કરે રઘુવીર…
- Advertisement -
તિલક એટલે…
સુવર્ણમૃગની લ્હાયે જતિના સપનાનો સંવાદ,
પક્ષીરાજની પાંખે ખરતો સીતાજીનો સાદ.
શબરીની થાકેલી આંખે હર ક્ષણ થાતો આંસુનો અનુવાદ,
રાવણને રણમાં રોળી વિભીષણને પ્રાપ્ત થયેલો વહાલ તણો વરસાદ.
દાસપણાનું ગૌરવ લઈ લંકા પહોંચે હનુમો વીર…
તો તિલક કરે રઘુવીર…