મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યાની બાતમીના આધારે મધરાત્રે રેડ પાડતા 1022 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ
કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી, થોરાળાનો તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ મંગાવ્યો હોવાનું ખુલતાં તેમની શોધખોળ હાથ ધરાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દારૂબંધીના નામે દારૂના લીરેલીરા ઉડી રહ્યા છે. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસની ‘કૃપાદૃષ્ટિ’ બૂટલેગરો ઉપર વરસી રહી હોય તેવી રીતે ફરી મોટાપાયે દારૂની હેરાફેરી શરૂ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જો કે બૂટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂની બોટલો પહોંચાડી દેવાના બદઈરાદા ઉપર ‘બાજનજર’ રાખીને બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાણી ફેરવવામાં આવી રહ્યું છે.
આવો જ એક મોટો દરોડો ગત મધરાત્રે ગોંડલના બિલિયાળા ગામે પાડીને સ્ટેટ મોનિટરિંગ સેલે 50 લાખની કિંમતનો 1022 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે દરોડો પડ્યો ત્યારે જ કટિંગ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ દારૂનો આટલો મોટો જથ્થો રાજકોટના કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી, થોરાળાનો તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ મંગાવ્યો હોવાનું ખુલતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બે પીકઅપ બોલેરો, બે આઈશર સહિત છ વાહન કબજે
ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી નીરજા ગોટરુ અને એસપી નિર્લિપ્ત રાયના સુપરવિઝન તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એન.પરમારે ગોંડલના બિલિયાળા ગામે આવેલા અવધ એસ્ટેટના ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યાની બાતમી મળતા મધરાત્રે દરોડો પાડીને વિદેશી દારૂની 1022 પેટી દારૂ સાથે જંગલેશ્વરના મહેબુબ રફીક, ઈલિયાસ, ભેંસાણના અલ્તાફ અને થોરાળાના સોયેબ નામના બૂટલેગરોની ધરપકડ કરી હતી. દરોડા સ્થળ પરથી એક મોટો ટ્રક, દારૂની હેરાફેરી માટે મુકાયેલી બે પીકઅપ બોલેરો, બે આઈશર સહિત છ વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસ શું નિંદ્રામાં હતી? ઉઠતા સવાલ!!
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિલિયાળા ગામેથી દારૂની 1022 પેટી પકડી પાડવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત એ પણ ગણાશે કે ત્રણ જ દિવસ પહેલાં દારૂનો એક આખેઆખો ટ્રક અહીં ઉતરી ગયો અને તેનું કટિંગ પણ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક પોલીસ નિદ્રામાં રહી ગઈ છે ત્યારે ત્રણ જ દિવસની અંદર બીજો ટ્રક ઉતરી ગયો છતાં તેનું ધ્યાન નહીં જતાં હવે તેની સામે આકરાં પગલાં તોળાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગણી, થોરાળાના તૌસીફ અને જંગલેશ્વરના રિયાઝ ઉર્ફે પિન્ટુએ દારૂની 1022 પેટી ભરેલો ટ્રક પંજાબથી મંગાવ્યો હતો ત્યારે તેનું કટિંગ રાજકોટ શહેર, જૂનાગઢ અને રાજકોટ ગ્રામ્યમાં કરવાનું હોવાનું ખુલ્યું છે. દારૂની આ સપ્લાય બોલેરો પીકઅપ વાન, આઈશર સહિતના નાના વાહનો મારફતે કરવાની હતી.