ગુજરાતમાં હોમલોનની રકમમાં વૃદ્ધિ પણ સંખ્યામાં ઘટાડો
સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિનો રિપોર્ટ : 1.02 લાખ લોકોએ 16264 કરોડનુ હાઉસિંગ ધિરાણ મેળવ્યું
- Advertisement -
મિલ્કતોની ઉંચી કિંમતથી મધ્યમ આવક ધરાવતો વર્ગ ખરીદીથી દુર: એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રને મોટી અસર
ગુજરાતમાં હોમલોનનું આંકડાકીય મુલ્ય 14266 કરોડથી વધીને 16264 કરોડ થયું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
રીઅલ એસ્ટેટમાં કેટલાંક વખતથી ધમધમાટ ધીમો પડી ગયો છે. મંદીનો ગણગણાટ છે તેમ છતાં હોમલોનનો આંકડો સતત વધી રહ્યો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ મુજબ વાર્ષિક ધોરણે હોમલોનમાં 14 ટકાનો વધારો થયો છે. જો કે, હોમલોન લેનારા લોકોની સંખ્યામાં વૃદ્ધિ માત્ર સાત ટકાની જ છે.
ગુજરાતમાં હોમલોનનું આંકડાકીય મુલ્ય 14266 કરોડથી વધીને 16264 કરોડ થયુ છે. જયારે હોમ લેનારાની સંખ્યા 91532થી વધીને 1.02 લાખ થઈ છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હોમલોનની રકમ કરતા હાઉસીંગ ધિરાણ લેનારાની સંખ્યા માર્કેટની નબળાઈ સુચવે છે.બેંકીંગ ક્ષેત્રના વર્તુળોએ કહ્યું કે મહતમ ધિરાણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં થયુ છે. મહત્વની બાબત એ છે કે આ તમામ મહાનગરોમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્રમાં આવાસની ડીમાંડમાં ઘટાડો છે.આ ઘટાડાનો ટ્રેન્ડ ઘણા મહિનાઓથી યથાવત છે. પરિણામે સરેરાશ વૃદ્ધિદર પણ ધીમો છે. સૂત્રોના કહેવા પ્રમાણે પ્રોપર્ટીના ભાવ ઘણા ઉંચા થઈ ગયા છે એટલે મધ્યમ આવક ધરાવતા તથા પ્રથમ વખત આવાસ ખરીદવા માંગતા લોકોની ખરીદી અટકી છે.બિલ્ડરો પણ એકરાર કરે છે કે, નવા પ્રોજેકટ લોન્ચ થતા હોવા છતાં ડીમાંડ ઘણી ધીમી છે. ખાસ કરકીને એફોર્ડેબલ હાઉસીંગ ક્ષેત્રમાં કોઈ ધમધમાટ માલુમ પડતો નથી. રાજયમાં થોડા વખત પુર્વે એફોર્ડેબલ હાઉસીંગનો સિતારો ચમકતો હતો.ક્રેડાઈ-ગુજરાતના પ્રમુખ તેજસ જોષીએ કહ્યું કે 3 અને 4 બેડરૂમના ફલેટ-આવાસની ડીમાંડ ધીમી છે. પ્રીમીયમ હાઉસીંગ ક્ષેત્રમાં પણ ડીમાંડમાં ઘટાડો છે. છેલ્લા છ-સાત વર્ષમાં રેસીડેન્શીયલ કરતા કોમર્સીયલ રીઅલ એસ્ટેટ ક્ષેત્ર મજબૂત જણાવ્યુ છે.હવે કોમનવેલ્થ ગેમ્સ 2030 ગુજરાતમાં યોજવાનું જાહેર થયુ છે. વૈશ્વિક રમતોત્સવ અમદાવાદમાં યોજાવાનો છે ત્યારે અમદાવાદ તરફ નવો પ્રવાહ આવવાની શકયતા છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથોસાથ ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, વિદ્યાર્થીઓ સહિત તમામના રહેઠાણ માટેની જરૂરિયાત ઉભી થશે એટલે હાઉસીંગ ક્ષેત્રમાં નવી ઈન્કવાયરી શરૂ થઈ જ ગઈ છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસીંગમાં ઈન્કવાયરી-ડીમાંડ ઉભી થવાની સંભાવના છે.માત્ર અમદાવાદ જ નહીં, સમગ્ર રાજય, ખાસ કરીને મહાનગરોમાં જમીન તથા બાંધકામના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી મધ્યમ આવક જૂથના લોકો માટે ઘર ખરીદવાનુ સતત મુશ્કેલ બની રહ્યુ છે.
એફોર્ડેબલ હાઉસીંગમાં ધીમી ડીમાંડને પગલે આ ક્ષેત્રમાં નવા પ્રોજેકટો પણ ઓછા થયા છે પરિણામે કોઈ મોટો સપ્લાય બોજ નથી. જાણકારો એવો નિર્દેશ આપી રહ્યા છે કે ગુજરાતનુ હાઉસીંગ ક્ષેત્ર હવે મૂલ્યના ધોરણે વિસ્તરી રહ્યુ છે. હોમ લોન લેનારા ઓછા થયા છે પરંતુ લોનની રકમ મોટી થઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ સતત ચારેક વર્ષ સુધી અભૂતપૂર્વ તેજી દર્શાવનાર રીઅલ એસ્ટેટ ક્ષેત્ર કેટલાક મહિનાઓથી ધીમુ પડી ગયુ છે. ભાવની તેજીથી માંડીને વેપારમાં પણ ઘટાડો છે પરિણામે સ્લોડાઉનની હાલત રહી છે. બિલ્ડરલોબી પણ પ્રવર્તમાન હાલતથી પરેશાન છે.



