ઓદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકો માટે રાહતના સમાચાર
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની સફળ રજૂઆત : વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આપી મંજૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની રાજકોટથી દાહોદ જતી રાત્રિ બસોમાં પુન: સ્લીપીંગ કોચ સુવિધા ઉપલબ્ધ કરવા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક, શૈક્ષણિક હબ છે.
રાજકોટ શહેરમાં અને આસપાસના મેટોડા, શાપર, લોઠડા, હડમતાળા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાં રોજગાર અર્થે પંચમહાલ, દાહોદ જિલ્લાના હજારો વતનીઓ અહીંયા વસવાટ કરે છે.રાજકોટથી દાહોદનું અંતર આશરે 407 કિ.મી જેટલું છે, જે માટે આશરે 8થી 9 કલાક જેટલો સમય થાય છે. રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા પંચમહાલ, દાહોદ જિલ્લાના હજારો વતનીઓને જુદા જુદા પ્રસંગો તહેવારો દરમ્યાન રાત્રિના સમયે પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની ગોંડલ-દાહોદની રૂટની બસમાં આ અગાઉ આશરે છેલ્લા 10 વર્ષથી સ્લીપર કોચ સુવિધા સહ ઉપલબ્ધ હતી.
આ રૂટની બસમાં પુરતો ટ્રાફિક મળી રહેતો હોવા છતાં, આશરે છેલ્લા 1 વર્ષથી સ્લીપર કોચ વ્યવસ્થા બંધ કરી, માત્ર સીટીંગ બેઠક વ્યવસ્થા ધરાવતી બસની સુવિધા આપવામાં આવે છે. રાજકોટ શહેરથી પંચમહાલ તથા દાહોદ જવા આવવા માટે મુસાફરો નિયમિતપણે આ બસનો ઉપયોગ કરે છે. રાજકોટ શહેરથી પંચમહાલ, દાહોદ વચ્ચેનું અંતર તેમજ વડીલો, બાળકો સહિતના મુસાફરોની સંખ્યા વગેરે બાબતોને ધ્યાને લઈ, રૂટની બસમાં સીટીંગ વ્યવસ્થાને બદલે સ્લીપર કોચ સુવિધા પુન: શરૂ કરાવવા વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંધવીને રજૂઆત કરવામાં આવી જે ધ્યાને લઇ મંત્રી હર્ષ સંઘવીએ સ્લીપીંગ રૂટ કોચની સુવિધા મંજૂર કરી છે. તેમજ આ રૂટ શરૂ થતા મુસાફરોને રાત્રીના સમયે વધુ સારી સુવિધા મળી રહેશે.