ચારે મૃતકોને અંતિમયાત્રા તેઓના નિવાસ્થાન વેરાઈ ચકલા ખાતેથી નીકળી હતી. વેરાઈ ચકલા ખાતે પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. એક જ પરિવારના ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ શોકમય બન્યું હતું. મૃતકોની અંતિમવિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરાઇ હતી.
એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી જતાં શોકનું મોજું
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
- Advertisement -
પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો અને અન્ય પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 7 લોકો પાણીમાં ગરક થયા હોવાની ઘટના સર્જાઈ છે.
સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકી ચાર લોકોના મોત થયા છે. જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નદીમાં ડૂબતાં બાળકને બચાવવા અન્ય છ લોકો કુદયા હતા. જે તમામ પણ ડૂબ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયાં છે. એક જ પરિવારના માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે.
પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડૂબ્યા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે બે પંડીત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બુમા બુમ કરી મુકી અને સાતે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવની જાણ તંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, તરવૈયાની મદદથી તાત્કાલીક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે. જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
બે સગાભાઈ સહિત ચાર લોકોના મોત પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું હતું કે, સાત લોકો ડૂબી ગયા હતા એમાં ત્રણને બચાવી લેવાયા છે. જ્યારે ડૂબી જતાં ચારના મોત થયા છે, એમાં એક જ પરિવારના બે સગા ભાઇ, એમની મમ્મી અને મામાનો સમાવેશ થાય છે. ત્રણ લાશ હાલ મળી છે. જ્યારે એક લાશ પહેલાં બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત પ્રાંત અધિકારી, તેમજ સરસ્વતી મામલતદાર સહિતનાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ માટે તરવૈયાઓની ટીમોને કામે લગાડી હતી. સ્થળ પર પાટણ શહેર સહિત આજુબાજુના તાલુકા વિસ્તારમાથી આઠ જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી. બનાવને પગલે સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સાત પૈકી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી છે. તેમજ ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન તેઓની પણ લાશ મળી આવતા આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યાં છે. બચાવ કામગીરી માટે મહેસાણા તેમજ સિદ્ધપુરથી પણ ટીમોને બોલાવવામાં આવી હતી.
પાટણ નગર પાલિકાના કોર્પોરેટર વિરોધ પક્ષના કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે, પાટણની સરસ્વતી નદી પર પ્રજાપતિ સમાજના લોકો ગણેશ વિસર્જન માટે આવ્યા હતા. પહેલાં એક બાળક ડૂબતા એક પછી એક સાત લોકો એને બચાવવા પડ્યા હતા. જેમાં સ્થાનિકોએ સાડી સહિતની વસ્તુઓ નાખીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ત્રણ જણા બહાર નીકળી ગયા હતા, જ્યારે એક જ પરિવારના ચાર લોકો ડૂબી ગયા છે.