જૂનાગઢ લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરિક મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બને તે માટે જિલ્લામાં મતદાન જાગૃતિ માટેની ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે મેંદરડામાં સ્વ સહાય જૂથ એટલે કે, સખીમંડળની બહેનો મતદાન કરવાની સાથે અન્ય 5 પરિવારોને તા.7મી મેએ મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહત્તમ મતદાન થાય
તે માટે જનજાગૃતિને વ્યાપક બનાવવા માટે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતા સખી મંડળના બહેનોને સ્વેપ અંતર્ગત અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે મતના મહત્વ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મતદાન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ક્વિઝ કોમ્પીટીશનમાં વિજેતા થનાર બહેનોને ચૂંટણી અધિકારીની સહી સાથેનું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા બહેનોએ સમૂહમાં લીધી હતી. આ સાથે મતદાન જાગૃતિ અર્થે સિગનેચર કેમ્પાઇનમાં બહેનો સહભાગી બન્યા હતા.