કાર્તિક મહેતા
આ વર્ષમાં સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ખડી તેજી દેખાણી. અત્યાર સુધી 2025માં સોનાએ અધધ પંચાવન ટકા અને ચાંદીએ તો અડસઠ ટકા જેટલું રિટર્ન આપ્યું !!
- Advertisement -
મ્યુચ્યુઅલ ફન્ડો, સ્ટોક માર્કેટની સ્ટ્રેટેજીસ કે ઈવન ઓપ્શન ટ્રેડિંગના વળતરનો રેકોર્ડ આ બે ધાતુઓમાં મળેલ વળતરએ તોડી નાખ્યો.
આ તેજી ઘણા સમયથી અપેક્ષિત હતી કેમકે ચાંદીની માંગ સામે એની સપ્લાય મર્યાદિત હતી. ખાણકામ થી મળતું ચાંદી વર્ષોથી એકધારા જથ્થામાં નીકળે છે પણ સામે ડિમાન્ડ ખૂબ વધી છે.
ભારતમાં જેમ સોલાર ક્રાંતિ આવી અને ઘેર ઘેર ઠેર ઠેર સોલાર પેનલો લાગવા માંડી એમ અનેક દેશોમાં આ સોલાર વાયરો વાયો છે અને હજી અમુક મોટા દેશો (જેમકે અમેરિકા)માં તો આ વાયરામાં જોર બાકી છે.
- Advertisement -
સોલાર પેનલોમાં ચાંદીનો વપરાશ અનિવાર્ય છે. તો સ્પેસ ટેકનોલોજી હોય કે ઇલેક્ટ્રિક વેહીકલ — બધે ચાંદી એના અમુક ગુણધર્મોને લીધે ફેવરિટ અને અનિવાર્ય છે.
સેમસંગે હમણાં એક બેટરી ડેવલપ કરી જે ચાંદી પર આધારિત છે અને એમાં ચાંદીનો ખૂબ વધારે ઉપયોગ થાય એમ છે. આ બેટરી ખૂબ પ્રોમિસીંગ જણાય છે અને સેમસંગ એનું પ્રોડક્શન લગભગ 2026 થી સ્ટાર્ટ કરી દેવા માંગે છે. એક આડવાત : દુનિયાની સહુથી વધુ પેટન્ટ ધરાવતી કંપની સેમસંગ છે. સેમસંગ પાસે જેટલી પેટન્ટ છે એટલી ગૂગલ માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ એમ ત્રણેયની પેટન્ટ નો આંકડો ભેગો કરો તો બને.
ચાંદીની ઔધોગિક ડિમાન્ડ વધતી ચાલી છે પણ સામે એનો સપ્લાય મર્યાદિત છે એટલે સ્વાભાવિક છે કે એના ભાવ ઊંચે ને ઊંચે ચડે.
ચાંદીના ત્રણ ગુણધર્મ એવા છે કે જે એને અનન્ય બનાવે છે. એક છે એનો જીવાણુવિરોધી ગુણ. ચાંદીના પ્યાલા કે થાળીમાં ભોજન કે પીણા લેવાની પ્રથા આ ગુણધર્મને કારણે હતી. સાથે આજે અનેક દવાઓ આવે છે જેમાં ચાંદીના સંયોજનો એના જીવાણુ વિરોધી ગુણને કારણે વપરાય છે.
ચાંદીનો બીજો ગુણધર્મ છે એની ઇલેક્ટ્રિકલ કંડકટીવિટિ. ચાંદી સહુથી વધુ સુવાહક ધાતુ છે એટલે મોબાઈલ થી લઈને સેટેલાઇટ બનાવવામાં એનો ઉપયોગ કરવો પડે છે.
ચાંદી ગરમીની પણ એટલી સારી સુવાહક છે. સોના કરતાં પણ વધારે તે ગરમીનું સારી રીતે વહન કરી શકે છે. અમુક ઔધોગિક ઉપયોગોમાં એટલે ચાંદી હોટ ફેવરિટ છે.
આ બધા કારણોસર ચાંદીએ વળતરમાં સોનાને પણ પછાડ્યું. પરંતુ સોનું અને ચાંદી બેય રેર અર્થ એટલે કે દુર્લભ ધાતુઓ ગણાય છે. બેયને એકસમયે કરન્સી ગણવામાં આવતી રહી છે. આથી સોનું અને ચાંદી બેય સાથે સાથે વધતા જોવા મળે છે.
સોનું અને ચાંદી બેયના ભાવનો રેશિયો (ગુણોત્તર) કાઢીએ એને ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો કહેવાય છે. ચાંદી પૃથ્વીના પેટાળમાં સોના કરતાં વધુ પ્રમાણમાં મળી આવે છે એટલે સ્વાભાવીક રીતે તે સોંઘુ રહ્યું છે. પણ સોનું એ ચાંદી કરતા કેટલું મોંઘુ છે તે નક્કી કરવાનો એક દર પ્રાચીન સમયથી રહેતો આવ્યો છે. સોનું ચાંદી થી લગભગ પંદરથી વીસ ગણું મોંઘુ હોવું નોર્મલ ગણાતુ.
પણ બ્રિટન અમેરિકા અને એમને પગલે ભારત સહિત બધા દેશોએ જ્યારે પોતાની કરન્સી સામે સોનું મૂકવાનું બંધ કર્યું ત્યાર બાદ લોકોને સોનામાં સ્વર્ગ દેખાવા લાગ્યું અને પરિણામે સોનું મોંઘુને મોંઘુ થવા લાગ્યું.
સોનું મોંઘુ થતા ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો એકદમ વધતો ચાલ્યો , આ રેશિયો એક “વ્યાજબી” આંકડો પકડે તે જરૂરી હોય છે એટલે આપોઆપ ચાંદી પણ વધવા લાગી. ચાંદીની ઔધોગિક ડિમાન્ડ અને મર્યાદિત સપલાયે ચાંદીને ઓર વેગ આપ્યો.
અબ દિલ થામ કે પઢીયે : આ ચાંદી આ વર્ષે આટઆટલી ભાગવા છતાં ગોલ્ડ ટુ સિલ્વર રેશિયો હજી પણ ઊંચો ગણાય એટલો (84- ચોર્યાસી) છે. એનો મતલબ એમ છે કે ચાંદી હજી પણ સસ્તું છે. કહેવાય છે કે આ રેશિયો પચાસ આસપાસ આવે એ આદર્શ અવસ્થા છે.
હવે એક છેલ્લું પરિબળ કે જેને કારણે સોનું ચાંદી આટલા દોડ્યા અને કદાચ હજી પણ……
રશિયા યુક્રેન વિગ્રહ શરૂ થયો એટલે અમેરિકાએ રશિયાનું નાક દબાવવા માટે રશિયાના (યુએસ) ડોલર ભન્ડાર ને ફ્રીઝ કરી દિધો !!! અર્થાત્ રશિયા પાસે રહેલો અબજો ડોલર નો ભન્ડાર એની માટે નકામો હતો.
અમેરિકાનું આ પગલું વિશ્વના બધા દેશો માટે ચેતવણી સમાન હતું. કેમકે બધા દેશોએ એકબીજા સાથે વ્યાપાર કરવા માટે કરોડો થી અબજો ડોલરનું ભન્ડોળ ભેગુ કરેલું છે. હવે અમેરિકા સાથે જરા પણ વાંકુ પડે તો અમેરિકા કોઈપણ દેશનું આ રીતે નાક દબાવી શકે એવી શક્યતા નકારી શકાય નહિ.
આથી ભારત સહિતના દેશોએ ધીરે ધીરે ડોલર પરનો મદાર ઓછો કરવાનું શરૂ કર્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે ભારત સહિતના દેશો પોતાના સોનાના ભન્ડારોને સમૃદ્ધ કરવા લાગ્યા. સોનાની માંગ વધી અને પરિણામે ભાવ વધ્યા..સાથે સાથે ચાંદી પણ વધી !!
જે ખૂબ ચડે તે ખૂબ પડે પણ છે એટલે માતેલા આખલાની જેમ તેજી ભાળી ચૂકેલા સોના અને ચાંદીના ભાવ થોડા સમય માટે કદાચ નરમાશ પકડે પણ લાંબે ગાળે આ ભાવ હજી નવી બુલંદીઓ બતાવશે તેવું અર્થજગતના ખેરખાંઓ ભાખી રહ્યા છે.
વેલ, આ બધું ટેકનિકલ જ્ઞાન જેને નથી એવી ભારતીય ગૃહિણીઓ હમેશા કોઈ અર્થશાસ્ત્રી કરતા વધુ સ્માર્ટ સાબિત થઈ છે. જેણે થોડું થોડું સોનું ચાંદી ભેગા કરીને પરિવારને આબાદ કરી રાખ્યો છે.
આમેય વ્યાપારમાં સરળ સમજણ ધરાવતા સાહસિકો ફાવે છે, ઊંડું જ્ઞાન ધરાવતા પંડિતો નથી ફાવતા.



