પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
હમ કહેતે હૈ યે જગ અપના હૈ
તુમ કહેતે હો એક જૂઠા સપના હૈ,
હમ જનમ બીતાકર જાયેંગે
તુમ જનમ ગંવાકર જાઓગે.
– સાહિર લુધિયાનવી
- Advertisement -
સિદ્ધાર્થ’ નવલકથા જર્મન લેખક હેરમાન હેસે 1922માં લખી હતી. પછી તો નવલના ઘણી ભાષાઓમાં અનુવાદો થયા અને 1971માં કોનરાડ રુક્સે આપણા શશી કપૂરને લઈને તેની પાર ફિલ્મ પણ બનાવી. સાવ નાની નવલકથા હોવા છતાં આ સર્જન ઘણું સમૃદ્ધ છે. તેના વર્ણનો અદભુત છે અને તેની મન પર પડતી છાપ ગહન છે. અહીં ફક્ત નવલના અમુક પ્રસંગો વિશે વાચકોને જણાવી ગમતાનો ગુલાલ કરવો છે. આ લેખ વાંચીને કોઈ તે નવલ વાંચવા પ્રેરાશે તો આ લેખ સાર્થક બનશે. નવલકથા આમ તો ગૌતમ બુદ્ધના જીવન પરથી જ પ્રેરિત છે. ગૌતમ બુદ્ધની જેમ જ કથાનો નાયક સિદ્ધાર્થ પોતાના જીવનના શાશ્વત પ્રશ્નોના ઉત્તર મેળવવા ઘર છોડીને જતો રહે છે. તેના સિવાય અન્ય મહત્વના પાત્રોમાં તેનો મિત્ર ગોવિંદ, તેની પ્રેમિકા કમલા કે જે એક વેશ્યા હોય છે, વેપારી કામસ્વામી અને સૌથી વિલક્ષણ એવા એક નાવિક વાસુદેવનો સમાવેશ થાય છે. નવલમાં એક પ્રસંગ આવે છે. કમલા અને સિદ્ધાર્થ પ્રેમક્રીડા કરતા હોય છે ત્યારે કમલા તેને કહે છે કે તું અને હું અંદરથી તો સરખા જ છીએ. તું તારા કામમાં ઘણો પ્રવીણ છો, સારું એવું ધન પ્રાપ્ત કરી શકે તેમ છો પણ છતાંય તું અંદરથી એક સન્યાસી જ છો. સંસારમાં આટલો બધો ઓતપ્રોત હોવા છતાં તું તેનાથી અલિપ્ત જ છો. હું કેટલા બધા લોકોને પ્રેમ આપું છું છતાં મને સ્વયંને પ્રેમનો અનુભવ થતો નથી. કેટલી ચોટદાર વાત! કમલા એક ગણિકા છે એટલે તે કેટલા લોકો સાથે કામક્રીડા કરે છે પણ તેને અંદરથી તે એકેય ચેષ્ટામાં આનંદ નહિ આવતો હોય. તે પ્રેમ દર્શાવવમાં નિપુણ હશે પણ તે પ્રેમના પ્રદર્શનમાં તેના હ્ર્દયનો સાથ નહિ હોય. તે જ રીતે સિદ્ધાર્થ સંસારમાં રહીને પોતાના કામમાં ઘણો ઓતપ્રોત છે પણ સામાન્ય માણસોની જેમ તે આ સંસારમાં ખોવાઈ શકતો નથી. એક વિરક્તિ છે કે જે જાણે કોઈ આવરણની જેમ તેને તે સંસાર સાથે જોડાવા નથી દેતી. કોઈ પ્રેમિકા પોતાના પ્રિયતમને ખુબ જ પ્રેમ કરતી હોવા છતાં પ્રેમાલાપ કરતી વખતે તે એક ગણિકા જેવી અદા પોતાના પ્રેમી સામે નહિ બતાવી શકે . તે છતાંય તે સાંમાન્ય યુવતીનું પોતાના પ્રેમમાં સમર્પણ સંપૂર્ણ છે કે જે ગણિકા ધારે તોય લાવી નહિ શકે.
વિરામ:
મેં એનો પ્રેમ ચાહ્યો ફક્ત સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કળા હોવી જોઈએ.
– મરીઝ
કથામાં નાટકીય બનાવોની હારમાળા છે. પોતાની આ યાત્રામાં સિદ્ધાર્થ કમલાને છોડીને આગળ વધે છે. છેલ્લે કમલા સાથે સિદ્ધાર્થનું પુનર્મિલન થાય છે ત્યારે કમલાની સાથે તેને આ સંબંધથી જન્મેલો પુત્ર પણ હોય છે. કમનસીબે થોડા સમય પછી જ કમલા મૃત્યુ પામે છે અને તેનો પુત્ર પોતાના પિતા એટલે કે સિદ્ધાર્થ સાથે રહેવા લાગે છે. હવે પુત્રને તો એટલા વર્ષો પછી પોતાના પિતા જોવા મળે છે એટલે સ્વાભાવિક છે કે તેને પિતા પ્રત્યે કુદરતી રીતે જ લાગણી ના હોય . સામ પક્ષે સિદ્ધાર્થને દીકરા પ્રત્યે પારાવાર પ્રેમ હોય છે. તેના કારણે તે દીકરાને ટોકતો પણ હોય છે. અંતે એક દિવસ તેનો દીકરો તેને છોડીને જતો રહે છે. ત્યારે સિદ્ધાર્થને એક અમૂલ્ય પદાર્થપાઠ સાંપડે છે. અત્યાર સુધી તે એક સન્યાસી તરીકે જીવતો હતો એટલે તે પોતાની જાતને એક બહુ ઊંચી પીઠિકા પર બેસાડતો કે જ્યાં કોઈ સંસારી પહોંચી ના શકે. તેને આ બધા સંસારીઓને આ કહેવાતા નશ્વર સુખ-સગવડો પાછળ દોટ મૂકતા જોઈને બહુ અજીબ અને રમુજી લાગતું. એ સિદ્ધાર્થ હવે પુત્રવિયોગમાં પોતે કોઈ નાના બાળકની જેમ રડે છે. હવે તેને સમજાય છે કે આ સંસાર માયા છે પણ તેનું મહત્વ છે જ. દુન્યવી લાગણીઓ બંધન હોવા છતાં તેમાં કોઈ તાકત તો છે જ. હવે તેના મનમાં આ બધા સંસારીઓ પ્રેત્યે એક અલગ જ લગાવ જન્મે છે કે જે તેને પોતાની જાતને આ સંસાર સાથે જોડવામાં મદદ કરે છે.આ નવલકથાનું એક યાદગાર અને વિચક્ષણ પાત્ર છે વાસુદેવ નામનો નાવિક. સિદ્ધાર્થ તેની સામે પોતાની પુત્ર વિશે થતી ચિંતા વ્યકત કરે છે ત્યારે વાસુદેવ તેને સમજાવે છે કે તે આટલો જ્ઞાની હોવા છતાં એટલો હેરાન થયો. તેનું જ્ઞાન તેને આટઆટલી તકલીફોથી બચાવી ના શક્યું તો તે તેવી રીતે તેનો પુત્ર પણ પોતાની નિયતિ લઈને આવ્યો છે. તે પોતાના પુત્રને ગમે એટલો પ્રેમ કરે તોય તેની બદલે તેનું જીવન જીવી નહિ શકે. આ પ્રસંગમાં માતાપિતા માટે પણ એક મોટો બોધપાઠ છે. આમ એક દાર્શનિક નવલ હોવા છતાં ’સિદ્ધાર્થ’ ઘણીબધી વ્યવહારુ બાબતો પણ શીખવાડે છે અને તેના પાત્રો તો એકવાર ભાવકના મનનો કબ્જો લઇ લેશે તો લાંબા સમય સુધી નહિ મૂકે.
- Advertisement -
પૂર્ણાહુતિ:
જીવન સે કૈસા છુટકારા,
હૈ ન દિયા કે સાથ કિનારા
– શૈલેન્દ્ર