સૃષ્ટિના સર્જનકાળથી લઇને વર્તમાન સમય સુધીમાં તમામ પુરુષોમાં શ્રીરામ સૌથી સુંદર હતા. ભગવાન વિષ્ણુ મનુષ્યદેહ ધારણ કરીને અવતરે, ત્યારે એમના સૌંદર્યમાં શી મણા હોય? તેમનાં નેત્રો એટલાં સુંદર હતાં કે તેમને કમલનયન કહેવામાં આવે છે અને જોનારાની આંખોને શ્રીરામ એટલા બધા સુંદર લાગતા હતા કે તેમને નયનાભિરામ કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા શ્રીરામની એક ઇમેજ તૈયાર કરવામાં આવી છે, જે વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણ તથા અન્ય કવિઓનાં વર્ણનને સાકાર કરે છે.
શ્રીરામ ખરેખર કેવા દેખાતા હશે અને તેમણે સ્થાપેલી અને આચરેલી મર્યાદાઓ કેવી ભવ્ય અને પૂર્ણ હશે કે હજારો વર્ષ પછી કરોડો લોકો એમનાં દર્શન માટે તરસી રહ્યા છે! આવો પુત્ર જ્યારે ચૌદ વર્ષના વનવાસ માટે પ્રસ્થાન કરતો હોય ત્યારે પિતાની મન:સ્થિતિ કેવી હશે? મૃત્યુશૈયા પર સૂતેલા રાજા દથરથ કૌશલ્યાને કહે છે: ’ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે રામ અયોધ્યામાં પાછા આવશે ત્યારે જે લોકો એનાં દર્શન કરવા માટે ભાગ્યશાળી બનશે, તેઓ મનુષ્યો નહીં પણ દેવતાઓ હશે.’ આટલું કહીને રાજા દશરથ મૃત્યુ પામ્યા. છેલ્લાં પાંચસો વર્ષ દરમિયાન અબજો દશરથો અને કૌશલ્યા માતાઓ અયોધ્યામાં શ્રીરામના આગમનની વાટ જોતાં જોતાં મૃત્યુ પામ્યાં. આપણે ભાગ્યશાળી છીએ કે આપણા જીવનકાળમાં આપણે નયનાભિરામ કમલનયન શ્રીરામનાં દર્શન કરી શકીશું. હવે બહુ વાર નથી. હિંદુસ્તાનની હવા મધુર ઘંટારવ કરતી વહી રહી છે. દોઢ અબજ લોકો ચાતક નજરે પ્રતીક્ષા કરી રહ્યા છે. સુવર્ણમંડિત દ્વારો ઊઘડવાની તૈયારીમાં છે. બસો કિલોગ્રામ વજનની શ્રીરામની પ્રતિમા સુવર્ણનાં મુગટ અને નક્કર સુવર્ણમાંથી બનેલા ધનુષ્યબાણ સાથે આપણી આંખોને ધન્ય કરવા માટે સંગેમરમરની પીઠિકા પર બિરાજમાન થઇ ગઇ છે.
- Advertisement -
સોમવારે ઇતિહાસ રચાઇ રહ્યો છે અને આપણે એ ઇતિહાસના સહભાગી થવાના છીએ. જો આટલું સમજી લેશો તો ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથના કથન અનુસાર આપણે સહુ મનુષ્યો મટીને દેવતાઓ બની જવાના છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનાં દર્શન કર્યાં પછી આપણી અંદર શ્રીરામની તમામ મર્યાદાઓનું પણ સ્થાપન થાય.
જય શ્રીરામ!