ભગત પેંડાવાળા, મહેશભાઈ પેંડાવાળા, પરસોત્તમ સ્વીટ માર્ટ, શિવશક્તિ સ્વીટ સહિતના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી: નમૂના લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા ખાણી-પીણીમાં ભેળસેળ કરતાં વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન પ્રસાદીમાં લેવાતા મોતીચુર લાડુ, પેંડાના વેપારીઓ પરસોત્તમ સ્વીટ માર્ટ, શિવશક્તિ સ્વીટ, મહેશભાઈ પેંડાવાળા, ભગત પેંડાવાળા સહિતના અન્ય વેપારીઓને ત્યાં આજે ફૂડ વિભાગની ટીમ પહોંચી લાડવા, પેંડા સહિતની સ્વીટના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રીકુંજ ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જાહેર થયું છે.
- Advertisement -
ભગવતી સેલ્સ એજન્સી, સહકારી સોસા. મેઈન રોડ પર રાજુજી ભનાજીભાઈ ચૌહાણ પાસેથી લેવાયેલ ખાદ્યચીજ શ્રીકુંજ બ્રાન્ડ ગાયનું ઘીનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઈલની હાજરી મળી આવતાં સબસ્ટાન્ડર્ડ થયું છે તથા જમનાદાસ પોપટ પાસેથી લેવાયેલ ખાદ્યચીજ શુદ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઈલની હાજરી મળી આવતાં સબસ્ટાન્ડર્ડ થયું છે. અભય આઇસ્ક્રીમ પાર્લર જનરલ સ્ટોર વિનયભાઈ ભુપેન્દ્રભાઈ ઢાંઢા પાસેથી લેવાયેલ ખાદ્યચીજ મોવૈયા માવા કેન્ડી આઈસ્ક્રીણ સ્પે. રજવાડી માવા મલાઈ કેન્ડીનો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં પેકિંગ પરના લેબલમાં જરૂરી ન્યુટ્રીશનલ ઈન્ફોર્મેશન, બેચ નંબર, ઉત્પાદન તારીખ, બેસ્ટ બીફોર, યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયું છે.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે પરાબજાર, કંદોઈ બજાર પર આવેલ મીઠાઈ, મોદકનું વેચાણ કરતાં ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 10 ફૂડ બીઝનેશ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી. પરસોતમ સ્વીટ માર્ટ, શિવશક્તિ સ્વીટ, મહેશભાઈ પેંડાવાળા, ભગત પેંડાવાળા, વજુભાઈ પેંડાવાળા, વિનોદભાઈ અંદરજીભાઈ કોટેચા, લીલાધર ખીમજીભાઈ પેંડાવાળા, અમરશીભાઈ ખીમજીભાઈ પેંડાવાળા, કામનાથ સ્વીટ માર્ટ, અશોકભાઈ પેંડાવાળાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આ સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા નાના મવા સર્કલ પાસે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ત્રણ પ્રાઈવેટ મેળામાં રાધેકૃષ્ણ જન્માષ્ટમી મેળામાં, ગોવિંદા જન્માષ્ટમી મેળો, જન્માષ્ટમી કાર્નિવલ મેળામાં ફૂડસ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.