અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 100ડ્ઢ65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
આશરે 500થી વધુ વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુન: પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો શુભગ અવસર ધર્મપ્રેમીઓ માટે સાંપડ્યો છે.
આપણા ભારત રાષ્ટ્રમાં અયોધ્યાનગરી કે જેની સાથે કરોડો હિન્દૂઓની આસ્થા જોડાયેલી છે ત્યાં આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ વિરાજિત થવા જઈ રહ્યા છે. હાલ અયોધ્યાનગરી મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઘડીની વાટ આખુ રાષ્ટ્ર્ર જોઈ રહ્યું છે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં તારીખ 17 જાન્યુઆરી 2024થી 22 જાન્યુઆરી 2024 સુધી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ’રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવનાર છે.
દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 100ડ્ઢ65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવશે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવનાર છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા
અનુભવી શકશે.
આ ઉપરાંત મંદિર પટાંગણમાં અયોધ્યાનગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ મહોત્સવમાં દરરોજ હજારો દીવડાઓથી શ્રીરામ લલ્લાની આરતી કરવામાં આવશે. જેમાં લોકો દીવડા સાથે આરતી કરવાનો લ્હાવો પણ લઇ શકશે.આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. જેમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે હજારો દીવડાઓની મહાઆરતી 11 વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં થશે અને દરરોજ 10 હજારથી પણ વધુ દર્શનાર્થીઓની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ સાથે દરરોજ રાત્રીના સમયમાં નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં લોકડાયરો-હસાયરો યોજાનાર છે. સુપ્રસિદ્ધ કલાકારો તેમના સ્વરરૂપી શબ્દોથી દેશભક્તિનો રસ પીરસવા જઈ રહ્યા છે.
ભવ્ય મહોત્સવમાં સહભાગી થનાર તમામ ધર્મપ્રેમીઓને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી લલાટે તિલક કરવામાં આવશે. જેના માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો અયોધ્યા પ્રવાસ ખેડી અયોધ્યા મંદિર મના ગર્ભગૃહની માટી અને સરયું નદીનું જળ પણ રાજકોટ લઇ આવ્યા છે.
પાંચ દિવસીય મહોત્સવ માટે રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું અયોધ્યા રામ મંદિરના મહંતશ્રી કમલનયનદાસજી મહારાજ જેઓ ઉત્તરાધિકારી શ્રી નિત્યગોપાલદાસજી મહારાજ (મુખ્ય મહંતશ્રી શ્રીરામ જન્મભૂમિ તેમજ શ્રીકૃષ્ણ જન્મભૂમિ) અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલય મહોત્સવ પૂર્ણ થયાં સુધી સતત ધમધમતું રાખવામાં આવશે.
આ દિવ્ય મહોત્સવમાં અનેક સામાજિક સંગઠનો, ધાર્મિક સંગઠનો, સહયોગી સંસ્થાનોને જોડવામાં આવશે. ત્યારે આ મહોત્સવનો લાભ લેવા રાજકોટ-સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ – ગુજરાત દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
- Advertisement -
મહોત્સવમાં યોજાનાર દરરોજના કાર્યક્રમોની ટૂંકી વિગત
17 જાન્યુઆરી: શ્રી રામલલ્લા અયોધ્યાનગરીમાં બિરાજે તે પૂર્વે રાજકોટ શહેરમાં તારીખ 17 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે એક ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ સાથે 5000 ટુ-વ્હીલર, 2000 ફોર વ્હીલર જોડાશે. 1000થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતીમાં શોભાયાત્રા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થશે જયારે પુર્ણાહુતી ’રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થશે. જે બાદ રામ મેદાન ખાતે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
18 જાન્યુઆરી: શ્રીરામના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે.
19 જાન્યુઆરી: ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે મ્યુઝિક સાંભળવું એક લ્હાવો છે. જેનું સાક્ષી રાજકોટ બનવા જઈ રહ્યું છે.
20 જાન્યુઆરી: પાંચ દિવસીય દિવ્ય મહોત્સવમાં શનિવારે રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકારો સ્વરરૂપી રસપાન કરાવનાર છે. જ્યાં હજારો લોકો એકસાથે રાસ લેનાર છે.
21 જાન્યુઆરી: મહોત્સવમાં રવિવારે રાત્રે 8:30 કલાકે વિશ્વ વિખ્યાત અને ગીરનો સાવજ તરીકે ઓળખાતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો લોકડાયરો પણ યોજાનાર છે. આ ડાયરામાં અનેક નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિ રહેનાર છે.
22 જાન્યુઆરી: મહોત્સવના અંતિમ દિવસે એક તરફ અયોધ્યા ખાતે રામ મંદિરની પડદો ખુલો કરી શ્રી રામલલ્લાને દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યાં બીજી રાજકોટ ખાતે પણ પડદો ખુલ્લો કરવામાં આવશે અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.



