શ્રદ્ધા વિદ્યાલયનાં નામથી જ પેપર વાયરલ થતાં શિક્ષણજગતમાં ખળભળાટ
સ્કૂલ સંચાલકે વાયરલ થયેલું પેપર તેમની સ્કૂલનું છે જ નહીં તેવો રદીયો આપ્યો: સમગ્ર મામલે શિક્ષણાધિકારીને પણ વાકેફ કરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે ખાનગી શાળાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. શહેરના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર આવેલા શ્રી શ્રદ્ધા વિદ્યાલય આવેલી છે. જેનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વાયરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી ત્રણથી ચાર તારીખે લેવાનારી હોવાની વિગતો સામે આવી હતી. વાયરલ થયેલું પેપર ધોરણ 11નું બેચલર ઓફ આર્ટસનું છે. આ પેપર વાયરલ થતાં જ ફરી એક વખત શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યા હતા જોકે આજે જે સ્કૂલનું પેપર વાયરલ થયું છે તે સ્કૂલના સંચાલક રાજકુમાર ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ પેપર અમારી સ્કૂલનું છે જ નહીં. અમારી સ્કૂલનાં પેપર હજુ છપાયા જ ન હોવાની વાત સ્કૂલ સંચાલકોએ કરી હતી. આ સમગ્ર મામલે તેમને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પણ જાણ કરી છે. કોઈએ તેમની સ્કૂલેને બદનામ કરવા માટે આ રીતે ખોટું પેપર ઊભું કરીને વાયરલ કર્યું હોવાનું પણ સંચાલકોએ ઉમેર્યું હતું. સ્કૂલ સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હોવાની વાત પણ તેમણે કરી હતી. સ્કૂલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા તો તેમના દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે આ પેપર કોણે વાયરલ કર્યું છે? તેમની સ્કૂલને બદનામ કરનારા સામે આગામી સમયમાં જરૂરી કાર્યવાહી પણ કરાશે તેમ સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું.