જસદણ સાણથલીના યુવાનની રાજકોટના બે મિત્રો સામે આટકોટમાં ફરિયાદ
ચેક રિટર્ન થતાં બેંકમાં તપાસ કરતાં ખબર પડી કે ખાતું ઓલરેડી બ્લોક થઈ ગયું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખોટું આધારકાર્ડ બતાવી અને બ્લોક થયેલા ખાતાનો ચેક આપી કાર પડાવી લીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે આ અંગે જસદણ સાણથલીના યુવાનની રાજકોટના બે મિત્રો સામે આટકોટમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
- Advertisement -
જસદણ સાણથલી ગામે રહેતા સંદીપ ગોબરભાઇ વેકરીયા ઉ.35એ રાજકોટનો નિશિત મહેતા અને તેના મિત્ર આશિષ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરું છું ગઈ તા. 25/7ના રોજ મેં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સ કંપનીમાંથી મારા મોબાઇલમાં કાર દેખો એપ દ્વારા જાહેરાત જોયેલ જેમાં એક હ્યુન્ડાઈ કંપનીની આઈ 20, જેના જીજે -18- બીકે -2718 હતા. જેની કિંમત રૂ.3,50,000 બતાવી હતી આરટીજીએસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સ બેંકમાં કર્યું અને કાર પાલનપુર કરણી પાર્કિંગ યાર્ડમાંથી ગાડીનો કબ્જો લીધો હતો સાણથલી ગામે કાર લાવી ચારેક મહિના ચલાવી હતી પછી આ કાર મારે વેચી નાખવી હોવાથી ફેસબુકમાં કાર વેચવા અંગે માહિતી શેર કરી હતી દરમિયાન તા. 16/11ના રોજ મને એક કોલ આવ્યો હતો જેમાં રાજકોટથી કોઈ નિશિત મહેતા નામની વ્યક્તિએ પોતાની ઓળખ આપી કહેલ કે, તમે જે ગાડી વેચાણ માટે ફેસબુકમાં મુકેલ છે. તે ગાડી હું જોવા આવુ છું. સાંજે 7 વાગ્યે નંબર પ્લેટ વગરની કારમાં નિશિત તેના એક મિત્ર સાથે મારી ઘરે આવેલ અને મારી કારની ચકકર લગાવી હતી તેઓને કાર ગમી જતા અમારી વચ્ચે રૂ.5,35,000માં કારનો સોદો નક્કી થયો હતો નિશિતે કહ્યું કે, મેં મારી દિકરીને પ્રોમીસ કરેલ છે કે, હું ગાડી લઈને જ આવીશ. એટલે હું કાર આજે જ લઈ જઈશ આજે શનિવાર છે અને કાલે રવિવાર હોય જેથી તમે સોમવારે રાજકોટ ખાતે આવી ગાડીના વેચાણખતના કાગળો કરી દેજો નિશિતે તેની સાથે આવેલા વ્યક્તિની ઓળખ તેના મિત્ર આશિષ તરીકે આપી હતી આ આશિષએ એક ચેક આપ્યું જેમાં મારું નામ લખવાનુ કહ્યું મેં ચેકમાં નામ લખ્યું હતું બાકીની વિગત તેણે ભરી હતી મેં આશિષભાઈનું આધાર કાર્ડ માંગતા નિશિતભાઇએ મને તેના ફોનમાંથી આશિષ જગદીશભાઈ ચૌહાણના નામનું આધાર કાર્ડ વોટસએપથી મને આપ્યું હતું તેઓ કાર લઈને જતા રહ્યા હતા.
વધુમાં સંદીપએ જણાવ્યું કે, તા. 18/11ના રોજ મેં બેંકમાં ચેક નાખ્યો હતો જે ચેક રિટર્ન થયો હતો. મેં તુરંત નિશિતને ફોન કરેલ તેણે કહ્યું હું અમદાવાદ છું. ચેકની સહી કે એમાં કંઈક ફેરફાર હશે કાલે હું આરટીજીએસ કરી દઈશ બીજા દિવસે પણ રૂપિયા ન મોકલતા મેં આધાર કાર્ડમાં એડ્રેસ જોતા તે સરનામું ખોટું હોવાનુ જાણવા મળેલ જેથી મેં જે બેંકનો ચેક હતો તે રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક 150 ફુટ રીંગ રોડ ઉપર જઈ તપાસ કરતા આ ચેકનું બેંક ખાતું બેંકે અગાઉથી જ બ્લોક કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું આધારકાર્ડ બેંકમાં બતાવતા આધારકાર્ડ પણ ખોટુ હોવાનું જાણવા મળ્યું હતું મેં આધારકાર્ડમાં રહેલ ફોટા વાળા વ્યક્તિ બાબતે રાજકોટ ખાતે મારા મિત્ર સર્કલ મારફતે તપાસ કરાવતા મને જાણવા મળેલ કે, તે નિરવ ગોહિલનો ફોટો છે જેથી અમો આ નિરવભાઈ ગોહીલ નામના વ્યક્તિને રાજકોટ ખાતે મળતા તેમણે ખાતરી કરેલ કે, ફોટો તેનો જ છે મેં અમારા ઘરના સી.સી.ટી.વી. ફુટેજ મોબાઇલમાં રેકોર્ડ કરેલ હોય તે બતાવતા તેઓએ જણાવેલ કે, વેગેનાર ગાડી લઇને આવેલ વ્યક્તિ નિશિત જગદીશભાઇ મહેતા ઘંટેશ્વરનો છે નિશિતના ઘરે તપાસ કરતા તે હાજર મળી આવેલ નહી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આટકોટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.