ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી – ગાંધીનગર દ્વારા તારીખ 18 માર્ચ 2025 મંગળવારના રોજ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે વર્ષ : 2024-25ની એકાંકી નાટય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી જુદી જુદી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ હરિફાઈમાં શિવમ ફાઉન્ડેશન રાજકોટ નિર્મિત, ચુનિલાલ મડિયા લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શિત મૌલિક એકાંકી નાટક : ભવોભવ ત્રણ એવોર્ડ સાથે રાજ્યભરમાં બીજા નંબરે વિજેતા થયું છે. રાજ્યની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મૈત્રી પીલોજપરાને અને રાજ્યનાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રોનકગિરિ ગોસ્વામીને મળ્યો છે. આમ, શિવમ ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષથી રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ટીમવર્કના કારણે સતત વિનર થાય છે. લોહીની લાગણીઓ, ઉદાત વ્યક્તિત્વ અને આહીરની ઉદારતા દર્શાવતું તેમજ ગ્રામ્યશૈલીના જીવન પર આધારિત આ કલાકૃતિમાં ભાગ લેનાર કલાકારો મૈત્રી પીલોજપરા, રોનકગિરિ ગોસ્વામીને, ધૈર્ય જોષી અને ઓમ ભટ્ટ એ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંકલન અને સંચાલન : આર્ષ વ્યાસ, પ્રકાશ રચના અને સંચાલન : ગૌતમ દવે, સેટ : ઉત્સવ એક્ટિંગ એકેડમી – રાજકોટ, રંગભૂષા : હિમાંશુ પાડલીયા તેમજ નેપથ્યની જવાબદારી હર્ષિત ચૌહાણએ નિભાવી હતી.



