રેલ્વે વિભાગને તાત્કાલિક કાર્યવાહી માટે રજુઆત, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
ગાયત્રીબા વાઘેલા અને કોંગ્રેસ આગેવાનોની રેલ્વે વિભાગને કરી રજૂઆત
- Advertisement -
સ્થાનીક લોકોએ પણ અનેક વખત અસહ્ય દુર્ગંધ આવતી હોવાની ફરીયાદ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નં. 3 પરસાણાનગર-7 વિસ્તારમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીના ભરાવા અને દુર્ગંધથી નાગરિકો લાંબા સમયથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ સમસ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉપપ્રમુખ તેમજ પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ રેલ્વે વિભાગને ગંભીર રજૂઆત કરી છે. ગાયત્રીબાએ વેસ્ટર્ન રેલ્વેના ડી.આર.એમ.ને આપેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ-સોમનાથ ટ્રેકના પરસાણાનગર વિસ્તાર પાસે નાલા નીચે સતત ગંદકી અને વરસાદી પાણીના ભરાવાથી દુર્ગંધ ફેલાય છે. આ ગંદુ પાણી ભુગર્ભમાં ઉતરી પીવાના પાણીની લાઈન સાથે ભળતું હોવાથી વિસ્તારના નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું થયું છે.
તેમણે જણાવ્યું હતું કે, અમે અનેકવાર રેલ્વે તંત્રના અધિકારીઓને લેખીત અને મૌખિક રીતે રજુઆત કરી સ્થળ મુલાકાત પણ કરાવી છે, પરંતુ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ રજુઆતમાં સાથેના કોંગ્રેસ આગેવાનો અતુલ રાજાણી, દિલીપભાઈ આસવાણી, ગૌરવ પુજારા અને જગુભા જાડેજા હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષે ચિમકી આપી છે કે જો તંત્ર તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે તો ગાંધીચિંધ્યા માર્ગે રેલ્વે વિભાગ સામે આંદોલન હાથ ધરાશે. ગાયત્રીબાએ અંતે ઉલ્લેખ કર્યો કે, આ પ્રશ્ન માત્ર સફાઈનો નથી, પણ જાહેર આરોગ્યનો છે. નાગરિકોના જીવન સાથે કોઈ સમાધાન સ્વીકાર્ય નથી, અને જો જરૂર પડશે તો લોકો સાથે રસ્તા પર ઉતરીને પણ હક માટે લડત લડીશું. સ્થાનિક નાગરિકોએ પણ રેલ્વે તંત્રની ઉદાસીનતાને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ગંદકી દૂર કરી વિસ્તારને સ્વચ્છ બનાવવા માંગણી ઉઠાવી છે.



