કેટલાંક રાજ્ય દર્દીઓને મફત દવા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ: દેશમાં ટીબી દવાની 3-4 કંપનીઓ પાસે પણ પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
દેશ 2025 સુધી ટીબીમુક્ત ભારતનાં સપનાંને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લાં બે વર્ષથી દેશમાં ટીબીની દવાઓની કટોકટી છે અને અછત છે. ટીબીની દવાઓની અછતના કારણે મિશનને નુકસાન થઇ રહ્યું છે. આ સ્થિતિ માટે અધિકારીઓ અને દવા ખરીદી પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને કારણ તરીકે જોવામાં આવે છે. હકીકતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પોતાની સંસ્થા કેન્દ્રીય તબીબી સેવા સોસાયટી (સીએમએસએસ) ના માધ્યમથી ટીબીની દવાઓ ખરીદે છે અને વિતરણ પણ કરે છે. આશરે એક વર્ષ પહેલાં સીએમએસએસ ટીબીની દવાઓની ખરીદી કરવામાં નિષ્ફળ રહેતા સમસ્યા સર્જાઇ રહી છે.
ભારતમાં ટીબીની દવાઓ બનાવતી માત્ર 3 અથવા તો 4 મુખ્ય દવા કંપનીઓ છે. આ કંપનીઓ જ ટેન્ડર મારફતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટીબીની દવાઓ ઉપલબ્ધ કરાવે છે. કેટલાંક રાજ્યોએ કંપનીઓનો સંપર્ક કર્યો છે. સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું છે કે કંપનીઓ પાસે પણ ટીબીની દવાઓનો પૂરતો જથ્થો નથી. જેના કારણે રાજ્યો પણ ટીબીની દવાઓ ખરીદવામાં સફળ રહ્યાં નથી. મહારાષ્ટ્ર સરકારે 1.6 કરોડ રૂપિયાનું ખાસ બજેટ સ્વીકૃત કર્યું છે પરંતુ સરકારને ટીબીની દવાઓ સપ્લાય કરનાર હોલસેલ વિક્રેતા મળી રહ્યા નથી.લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના કારણે કામ અટવાયું, સ્થિતિ વણસી
લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બનવાના કારણે સ્થિતિ વધારે વણસી ગઇ છે કારણ કે રાજ્યો ટીબીની દવાઓ માટે ટેન્ડર પણ જારી કરી રહ્યાં નથી. છત્તીસગઢમાં છત્તીસગઢ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા ટીબીની દવાઓની ખરીદી કરવામાં નિષ્ફળ છે. ત્યારબાદ રાજ્ય સરકારે હોલસેલ વિક્રેતાઓની પાસેથી ત્રણ લાખ રૂપિયાની ટીબીની દવાઓની ખરીદી કરી હતી. ઝારખંડમાં જિલ્લા તબીબી અધિકારીઓને એક વખતમાં ત્રણ હજારથી ચાર હજાર રૂપિયાની દવા ખરીદવા માટેની સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
દેશમાં ટીબી ડાયગ્નોસ્ટિક્સનું અધૂરું નેટવર્ક અને ટીબીના લાપતા કેસો પણ પડકારરૂપ છે. સામાન્ય રીતે ‘ટીબીમુક્ત ભારત’ એક ખોટી ધારણા સંબંધિત નારા સમાન છે. ‘ટીબીમુક્તનો’ અર્થ એ થાય છે કે પોલિયોની જેમ ટીબી નાબૂદી. ભારતમાં ટીબીને નાબૂદ કરવાની બાબત શક્ય નથી. ટીબીના જીવાણું હવાજન્ય હોય છે.