ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
પડધરીથી અડબાલકા રોડ ઉપર આવેલા આર્યન બીટસ કારખાના પાસે ફરજ બજાવતાં નાગરિક બેંકના સિક્યુરીટી ગાર્ડ પાસે જઈ પરવાનાવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ખૂનની કોશિષનો ગુનો આચરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે કબજે થયેલી પરવાનાવાળી રિવોલ્વર તથા તેનું અસલ પરવાના લાયસન્સ પરત મેળવવા અરજદાર આરોપી શૈલેષ તળપદા દ્વારા કરવામાં આવેલી અરજી રાજકોટની સેશન્સ અદાલતે મંજૂર કરતો હુકમ ફરમાવી મુદ્દામાલ નાઝરને પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપી અને પડધરી પોલીસે અરજદારને સોંપી આપવા હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકિકત જોઈએ તો પડધરીથી અડબાલકા રોડ ઉપર આવેલા આર્યન બીટસ કંપનીએ ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડ અનિરુદ્ધસિંહ ખુમાનસિંહ જાડેજાએ પડધરીના મોવિયા ગામના રહીશ શૈલેષ હંસરાજભાઈ તળપદા તથા હરેશભાઈ નાથાભાઈ વિરુદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલી કે આરોપી શૈલેષભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પોતાની રિવોલ્વરમાંથી બે ફાયરિંગ કરી બંને આરોપીઓએ મદદગારી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે કામે તપાસના અંતે ચાર્જશીટ થયેલી જે ફરિયાદ રદ કરવા આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં તે મંજૂર થયેલી બાદ રિવોલ્વર પરત મળવા સેશન્સ અદાલતમાં કરેલી અગાઉ અરજી મંજૂર થતાં તે હુકમના આધારે કલેકટર રાજકોટ સમક્ષ સસ્પેન્ડ થયેલા હથિયાર પરવાનો રીન્યુ કરાવવામાં આવેલા જે રીન્યુના હુકમના આધારે અરજદાર શૈલેષભાઈ તળપદાએ રાજકોટની સેશન્સ અદાલતમાં અરજી દાખલ કરી રજૂઆત કરી કે ગુનાની એફ.આઈ.આર. રદ થઈ ગઈ છે પરંતુ હથિયાર પરવાનો સસ્પેન્ડ થઈ ગયો હોઈ જેથી પ્રથમ હથિયાર પરવાનો રીન્યુ કરાવતા પહેલાં સેશન્સ અદાલત હથિયાર પરત સોંપતો હુકમ કરે તો જ પરવાનો રીન્યુ થાય તેમ હોય જે સેશન્સ અદાલતે હથિયાર પરત સોંપતો હુકમ કર્યા બાદ તેના આધારે કલેકટર સમક્ષ હથિયાર પરવાનો પુન:સ્થાપિત કરાવવા કરેલી કાર્યવાહી મંજૂર કરવામાં આવેલી હોય જે આ કામે રજૂ થયેલ હોય જેથી અસલ હથિયાર પરવાનો તથા હથિયાર નાઝર કસ્ટડીમાં હોય જે હવે અરજદાર માગવા મેળવવા અને ધારણ કરવા હકદાર થતાં હોય જેથી અરજી મંજૂર કરી અસલ હથિયાર પરવાનો તથા હથિયાર બંને પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપવામાં આવે તો જ અરજદારને મળી શકે તેમ હોય વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો કરવામાં આવી હતી.
બંને પક્ષોની રજૂઆતો તથા રેકર્ડ પરના રજૂ રાખેલા દસ્તાવેજી પુરાવો લક્ષે લેતા સદર ગુનાના કામે પરવાનાવાળુ હથિયાર રિવોલ્વર તથા અસલ હથિયાર પરવાનો નાઝર કસ્ટડીમાં હોય ગુનાની એફ.આઈ.આર. અને તેને આનુસંગિક પ્રોસીડીંગ રદ થયેલી હોય અગાઉના સેશન્સ જજ દ્વારા હથિયાર સોંપવા હુકમ કરેલ હતો પરંતુ હથિયાર પરવાનો રીન્યુ થયેલ ન હોવાથી હથિયાર મેળવેલું ન હતું જે પરવાનો રીન્યુ કરવામાં આવેલો હોવાનો હુકમ રજૂ કરેલો છે તે તમામ હકીકતો અને સંજોગો ધ્યાને લેતાં જે લાયસન્સ અસલ મુદ્દામાલ તરીકે નાઝરની કસ્ટડીમાં છે તે તથા રિવોલ્વર બંને અરજદાર મેળવવા હકદાર થતાં હોવાનું જણાઈ આવે છે જેથી અરજી મંજૂર થવા પાત્ર હોય નાઝરએ બંને મુદ્દામાલ પડધરી પોલીસ સ્ટેશને મોકલી આપવો અને પોલીસે ખરાઈ કરી અરજદારને સોંપી આપવા હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં અરજદાર શૈલેષ હંસરાજભાઈ તળપદા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલા હતા.