ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે.
આજે રાજકોટના ખોખળદલ ગામ નજીક મોડી રાત્રે એક કાર પુલના ડીવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં એકસાથે ત્રણ સ્થળોએ અકસ્માત સર્જાયાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં અંબાજી કૈલાશ ટેકરીના ઢાળમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક કાર ભડકે બળીને ખાક થઇ ગઈ હતી. અંબાજીમાં ઇકો અને ડસ્ટન રેડિગો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રેડિગો કારમાં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે ડ્રાઈવર સમય સૂચકતાથી પોતાની જાન બચાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, આ અકસ્માત બાદ મંદિર ટ્રસ્ટની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લઇ લીધી હતી.
કચ્છના પડાણા-વરસાણા વચ્ચે અકસ્માતમાં નિપજ્યા હતા બેના મોત
બીજી બાજુ કચ્છના પડાણા-વરસાણા વચ્ચે અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે 4થી 5 લોકો ઘાયલ થયા હતા.
- Advertisement -
વાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી
સુરેન્દ્રનગરની નલીંબડી નવયુગ સોસાયટીમાં પણ ગઇકાલે ગાડીમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં વહેલી સવારે ચાલુ વાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. વાનમાં અચાનક આગ લાગવાના કારણે વાન સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.