ભરતસિંહ પરમાર, બિજલ પટેલ નિરીક્ષકની ભૂમિકામા: શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સાથે બેઠક યોજી
નવી બોડીમાં મહામંત્રી, ઉપ પ્રમુખ, મંત્રી, ખજાનચી, કાર્યાલય મંત્રી સહિત 21 પદાધિકારી હશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની કવાયત શરૂ થઈ છે. પ્રદેશ ભાજપના નિરીક્ષકોની રાજકોટ કમલમમાં બેઠક થઈ છે અને ભરતસિંહ પરમાર, બિજલ પટેલ નિરીક્ષકની ભૂમિકામાં છે. શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. અગાઉ સંકલનમાં 15 સભ્ય જ અપેક્ષિત હતા, પરંતુ નવી ગાઇડલાઇન મુજબ હવે પૂર્વ કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓને પણ અપેક્ષિત જાહેર કરાતા 20 સભ્ય બેઠકમાં હાજર રહ્યા હતા. નવા પાંચ નામના ઉમેરાથી કોઇ એક વ્યક્તિ કે જૂથનો દબદબો રહેવાને બદલે સર્વસહમત વ્યક્તિનો સંગઠનમાં સમાવેશ થશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
- Advertisement -
રાજકોટ શહેર ભાજપની નવી ટીમ નક્કી કરવા માટે પ્રદેશના નિરીક્ષકો પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર અને અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ મંગળવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા.
આજે સવારે 10 વાગ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશના ઉપરોક્ત બે નિરીક્ષક ઉપરાંત બંને સંસદ સભ્ય, ચાર ધારાસભ્ય, મેયર, ત્રણ મહામંત્રી અને એક પૂર્વ પ્રમુખ સહિત 15 આગેવાન અપેક્ષિત હતા. અગાઉની બોડીના બે મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને અશ્વિન મોલિયાએ નવા સંગઠનમાં પણ દાવેદારી કરતાં બંને આગેવાન સંકલનમાં બેસી શકશે નહીં.
15 સભ્યની સંકલનની વાત વચ્ચે પ્રદેશ ભાજપે નવો પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં સંકલનની બેઠકમાં પૂર્વ કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓને અપેક્ષિત જાહેર કર્યા હતા. જે મુજબ હવે સંકલનમાં વધુ પાંચ નામ ઉમેરાયા છે, જેમાં ડો.વલ્લભ કથીરિયા, વજુભાઇ વાળા, ઉમેશ રાજ્યગુરુ, ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. સંગઠનમાં 33 ટકા મહિલાઓને પ્રાધાન્ય અપાશે, ઘઇઈ, અનુસૂચિત જાતિને પ્રતિનિધિત્વ માટે કવાયત છે, નિરીક્ષકો સંગઠન નવરચના માટે તમામ જૂથને સાચવીને આગળ વધશે. શહેર પ્રમુખની નિમણૂંક બાદ સંગઠન માટે કામગીરી શરૂ કરાઇ છે. સંકલનમાં મહામંત્રી, ખજાનચી સહિત 21 પદાધિકારીની નિમણૂંકની ચર્ચા થઈ હતી.



