રાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીમાં મોટો વળાંક
પૂર્વ પ્રમુખે સુરેશ ફળદુને પ્રમુખ પદ માટે સમર્થન આપ્યું; લાંબા અનુભવના ટેકાથી સમરસ પેનલની જીત નિશ્ર્ચિત હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિયેશનની આગામી ચૂંટણીમાં વકીલ વર્તુળમાં ’કાકા’ તરીકે જાણીતા અને ’108’ના નામથી પ્રખ્યાત વરિષ્ઠ વકીલ તથા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ સત્તાવાર રીતે સમરસ પેનલને ટેકો જાહેર કર્યો છે. રાજાણીના લાંબા અનુભવ અને બારની એકતા માટેના પ્રયત્નો હંમેશા વકીલોમાં પ્રેરણારૂપ રહ્યા છે.
પ્રમુખ પદના દાવેદાર સુરેશ ફળદુ વિશે બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, ફળદુએ તેમના કાર્યકાળ દરમિયાન ઉપપ્રમુખ તરીકે સાથે કાર્ય કર્યું હતું. કોર્ટ ટ્રાન્સફર અને ટેબલ ફાળવણી જેવા કામોમાં તેમની કાર્યશૈલી, શિસ્ત, નિષ્ઠા અને પ્રામાણિકતાને તેમણે નજીકથી જોઈ છે. રાજાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુરેશ ફળદુ પ્રમુખ તરીકે પસંદ થશે તો બાર એસોસિયેશનને શક્તિશાળી નેતૃત્વ મળશે.
વકીલોના પ્રશ્ર્નોના ઉકેલ અને સંગઠનને મજબૂત બનાવવામાં બકુલ રાજાણીનું યોગદાન યાદગાર રહ્યું છે. તેમણે વકીલ મિત્રોને એકતા જાળવીને બાર એસોસિયેશનના વિકાસ માટે સમરસ પેનલના તમામ સભ્યોને પેનલ ટુ પેનલ મત આપીને જીતાડવા માટે અપીલ કરી છે. બકુલ રાજાણી દ્વારા આપવામાં આવેલો આ ટેકો આવનારી ચૂંટણીમાં સમરસ પેનલ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, અને આ ટેકાથી પેનલની જીત નિશ્ચિત હોવાની ચર્ચા વકીલ વર્તુળમાં ચાલી રહી છે.



