ડૉ. કે.એમ. રાણા સહિત અનેક અગ્રણીઓ ‘આપ’માં જોડાતાં રાજકીય હલચલ તેજ
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા એક વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા સહિત ’આપ’ના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં એક ઐતિહાસિક રાજકીય ફેરફાર જોવા મળ્યો, જેનાથી હળવદના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો. કે.એમ. રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના કે.ડી. બાવરવા અને અન્ય અનેક કોંગ્રેસના કાર્યકરોએ પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
- Advertisement -
આ ઘટનાને રાજકીય તજજ્ઞો હળવદ તાલુકામાં રાજકીય ઊર્જાને નવી દિશા આપવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.ખેડૂત મહાસભામાં પંથકના ખેડૂતોના ગંભીર પ્રશ્ર્નો, જેવા કે પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ પ્રસંગે ’આપ’ના નેતાઓએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ખેડૂતો સાથે થતા અન્યાય સામે રાજ્યવ્યાપી લડત લડવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને નવા જોડાયેલા નેતાઓને આવકારવા માટે ઉપસ્થિત લોકો ઉમટી પડ્યા હતા. આ ઘટનાથી હળવદ પંથકમાં રાજકીય હલચલ તેજ બની છે.



