સરકાર કોઈને નહીં છોડે: વધુ નિવેદનો-દસ્તાવેજી ચકાસણી કરતી તપાસ સમિતિ : દાખલારૂપ સજા માટે સરકાર પ્રતિબધ્ધ-ઋષિકેશ પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરવા માટે રાજય સરકાર દ્વારા પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ ‘સીટ’ (એસઆઈટી- સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરાઈ હતી. જેમણે તેમનો પ્રાથમિક રિપોર્ટ 31મેના રોજ રાજય સરકારને સુપરત કરી દીધો હતો.
જેના આધારે આ દુર્ઘટનામાં પ્રથમ દ્દષ્ટિએ સામેલ જણાતા 6 અધિકારીને તો તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. એવી જ રીતે રાજકોટ મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરી દેવાઈ હતી.
દરમ્યાનમાં સરકારે સીટને વધુ ઝીણવટભરી તપાસ કરીને આ દુર્ઘટનાનો ડિટેઈલ-રીપોર્ટ સરકારને સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે તમામ સંબંધિતોના નિવેદનો લેવાઈ રહ્યાં છે. દસ્તાવેજી પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે અને હવે આગામી 20મી જૂન સુધીમાં સીટ વિસ્તૃત રિપોર્ટ રાજય સરકારને સોંપશે. જેના આધારે રાજય સરકાર આ દુર્ઘટનામાં સામેલ કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું મન બનાવી ચૂકી છે.આ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટે પણ સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. જેની મુદત 20 જૂન છે એટલે કે આ વિસ્તૃત રિપોર્ટ મળ્યા બાદ સરકાર આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરશે.
રાજયમાં લોકસભાની ચૂંટણીને લઈ 16મી માર્ચથી 6ઠ્ઠી જુન સુધી ચૂંટણી આચારસંહિતા અમલમાં હતી એટલે રાજય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક મળી શકી ન હતી પરંતુ હવે, આચારસંહિતા પૂરી થયા બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ મંત્રીમંડળની બેઠકો મળી હતી. જેમાં આ મુદ્દે પણ વિગતે ચર્ચા કરાઈ હતી.
પત્રકાર પરિષદમાં એક પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટનો બનાવ અતિ ગંભીર અને સંવેદનશીલ છે. રાજય સરકાર તેમાં સામેલ, સંડોવાયેલા કે જવાબદારોને છોડવા માંગતી નથી. તેમને દાખલારૂૂપ સજા થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. આ ઘટનાની તપાસમાં આઈએએસ કે આઈપીએસ કક્ષા સહિતના તમામ સંબંધિત અધિકારીઓના પણ નિવેદનો લેવાશે અને સઘન તપાસ કરાશે.