15 દિવસમાં 1200થી વધુ તાવ, શરદીના કેસ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ વાતાવરણ બદલાય રહ્યું છે. મોરબી જીલ્લામાં નવરાત્રી પર્વ બાદ વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધી રહ્યું છે તો દિવસ દરમિયાન આકરી ગરમી પડી રહી છે. હાલ જીલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે જેના કારણે સિઝનલ ફ્લુનું પ્રમાણ વઘ્યું છે. હાલ મોરબી જીલ્લામાં 15 દિવસ દરમિયાન 1209 જેટલા શરદી ઉધરસના કેસ જોવા મળ્યા છે તો ખાનગી કલીનીક અને ખાસ કરીને મોરબી અને ટંકારામાં સિઝનલ ફ્લુ વધી રહ્યા છે. દિવાળી પર્વ નજીક આવતાની સાથે મોરબી જીલ્લામાં વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે તો દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થવાના કારણે વાયરલ ફ્લુના કેસમાં વધારો આવ્યો છે. ખાસ કરીને મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં તાવ શરદી કેસમાં વધારો થયો છે. મોરબી જીલ્લામાં છેલ્લા 15 દિવસમાં 1209 જેટલા તાવ શરદીના કેસ સામે આવ્યા હતા જેમાં સૌથી વધુ મોરબીમાં 492, ટંકારામાં 448, વાંકાનેરમાં 194, હળવદમાં 21 અને માળિયામાં 16 જેટલા તાવ શરદીના કેસ સામે આવ્યા છે તો 5 જેટલા મેલેરીયાના કેસ સામે આવ્યા હતા જોકે ખાનગી કલીનીકમાં દરરોજ મોટી સંખ્યામાં શરદી ઉધરસના કેસ સામે આવી રહ્યા છે.