ઉપરવાસના વરસાદને પગલે નવા નીરની આવક
રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરનો આ ચોમાસાની સિઝનનો કુલ 27.11 ઈંચ વરસ્યો છે. જેમાં વેસ્ટ ઝોનમાં 772 મી.મી, ઈસ્ટ ઝોનમાં 576 મી.મી. અને સેન્ટ્રલ ઝોનમાં 738 મી.મી. વરસાદ નોંધાયો છે. જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જીવાદોરી સમાન આજી અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમની છલોછલ થયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સિંચાઈ માટે ઉપયોગી આજી-2 અને ન્યારી-2 ડેમ પણ લગભગ છલોછલ છે.
એટલે આ વર્ષે પણ રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય અને તેમાં પણ હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. પડધરી તાલુકામાં આવેલ આજી – 3 જળાશયમાં પાણીનો ઇનફલો 254 કયુસેક છે. જળાશય 100 ટકા ભરાયેલ હોવાથી રુલ લેવલ જાળવવા સવારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આજી-3 ડેમના હેઠવાસમાં આવેલ રાજકોટ, પડધરી, ખજુરડી, થોરીયાળી, ખીજડીયા મોટા, ખાખરા સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવર જવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.