ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગામે આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરી મોટરસાયકલ સાથે બાંધી પરેડ કરાવી, ઢસડી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર, રાજયના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને દાહોદ જિલ્લા પોલીસ વડા તરફથી સીલબંધ કવરમાં આ સમગ્ર બનાવને લઇ વિગતવાર રિપોર્ટ અને સોગંદનામાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રેકર્ડ પર લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ બાબતે હાઇકોર્ટ સુઓમોટો જાહેર હિતની અરજી લીધી હતી. કેસની વિગત મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગામે એક આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરી મોટરસાયકલ સાથે બાંધી પરેડ કરાવી, ઢસડી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા પ્રકરણમાં અખબારી અહેવાલોને લઇ ગુજરાત હાઇકોર્ટે આખરે સ્વયં સંજ્ઞાાન લઇ આ મામલમાં સુઓમોટો જાહેરહિતની રિટ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે બહુ ગંભીર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ માત્ર એક જિલ્લાની જ નહી. પરંતુ સમગ્ર રાજયની નારીઓ(મહિલાઓ)નું અપમાન કહી શકાય તેવો આ હૃદયદ્રાવક કિસ્સો છે. હાઇકોર્ટે દાહોદ એસપી, ગૃહવિભાગ અને સરકારનો જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટના આ હુકમ અનુસંધાનમાં રાજયના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને દાહોદ જિલ્લા પોલીસ વડા તરફથી સીલબંધ કવરમાં સમગ્ર અહેવાલ અને સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પણ સીલબંધ કવરમાં જ રિપોર્ટ અને એફિડેવીટ રજૂ કરવાની પરવાનગી આપી હતી.