114 નાનાં-મોટા વાહનોમાં કાટ લાગી ગયો, લાખો રૂપિયાના ભંગારની હરરાજી અઢી વર્ષથી અટકી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર શહેરના પીજીવીસીએલ કચેરી પાસે આવેલા મનપાના વર્કશોપમાં છેલ્લા ઘણા સમયથી 114 જેટલા નાના-મોટા વાહનો કંડમ હાલતમાં પડ્યા છે. વર્ષોથી ઉપયોગમાં ન આવતાં આ વાહનો હવે કાટ અને ધૂળ ખાઈ રહ્યા છે. મનપાની સંપત્તિ બની ચૂકેલા આ વાહનોની હરરાજી કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભંગાર નિકળી શકે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આ આખી મિલકત બેકાર પડી છે. પાલિકાના સમયગાળામાં સફાઈ વિભાગ માટે જેસીબી, ટ્રેક્ટર, ગાર્બેજ કલેક્શન વાહનો સહિતના સાધનોની ખરીદી કરવામાં આવી હતી. કેટલાક વાહનો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા. હવે આ વાહનો ઉપયોગ લાયક રહ્યા નથી, તેમ છતાં મનપાએ આજદિન સુધી હરરાજીની પ્રક્રિયા શરૂ કરી નથી. આ કંડમ વાહનો વર્કશોપની વિશાળ જગ્યા રોકી બેઠા છે, જેના કારણે નવા વાહનોની રિપેરિંગ કામગીરીમાં પણ અવરોધ ઉભો થાય છે. સ્થાનિક સ્તરે કર્મચારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે જો આ વાહનોની હરરાજી થાય તો ભંગારના ભાવે લાખો રૂપિયાની આવક થઈ શકે છે. પરંતુ સંબંધિત અધિકારીઓની ઉદાસીનતા અને નિર્ણયક્ષમતા ન હોવાને કારણે આ મુદ્દો વર્ષોથી લટકેલો છે. સ્થાનિક નાગરિકોએ માંગણી કરી છે કે મનપા તંત્ર તાત્કાલિક હરરાજી પ્રક્રિયા હાથ ધરી આ કંડમ વાહનોનો ભંગાર વેચી શહેરના વિકાસ કાર્યોમાં તેનો ઉપયોગ કરે.
- Advertisement -
ભંગારમાં કરોડોનો ખજાનો
કંડમ વાહનોની કુલ સંખ્યા : 114
સ્થાન : મનપા વર્કશોપ, પીજીવીસીએલ રોડ પાસે
વાહનોનો પ્રકાર : જેસીબી, ટ્રેક્ટર, સફાઈ વાહનો, ટિપ્પર, જિપ્સી
હાલની સ્થિતિ : મોટાભાગના વાહનો પૂરેપૂરા કાટ ખાતા હાલતમાં
અંદાજિત ભંગાર મૂલ્ય : રૂ.30થી રૂ.40 લાખ સુધી
ભંગાર વેચાય તો સફાઇના નવા સાધનો ખરીદી કરી શકાય
ભંગાર વેચાણથી મનપાને લાખો રૂપિયાની આવક થઈ શકે છે
આ રકમથી શહેરમાં સફાઈ સાધનો કે નવું ઇક્વિપમેન્ટ ખરીદી શકાય
વર્કશોપ જગ્યા ખાલી થતાં નવી કામગીરી માટે સ્થળ ઉપલબ્ધ થશે
શહેરમાં પાર્કિંગ કે સ્ક્રેપ યાર્ડ જેવી સુવિધા વિકસાવવા ફંડ મળી શકે
ભંગારની હરરાજી ટૂંક સમયમાં કરવાનો મનપા કમિશનરનો દાવો
મનપા દ્વારા કંડમ થયેલ વાહનોની હરરાજી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. એકથી બે દિવસમાં હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ મનપાના કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી અટકેલી ભંગાર વાહનોની હરરાજી થશે. નગરજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે જો આ હરરાજી ઝડપથી પૂર્ણ થાય તો મનપાને લાખો રૂપિયાની આવક થઈ શકે છે અને વર્કશોપની જગ્યા પણ ખાલી થશે. હવે જોવાનું એ રહ્યુ કે કમિશનર દ્વારા કરવામાં આવેલો દાવો કેટલા દિવસમાં પૂર્ણ થશે.
- Advertisement -



