ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ શહેરમાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢ અને વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19 (ભાઈઓ/બહેનો) એમ જુદા જુદા વય જૂથમાં કુલ 41 શાળાઓની ટીમના 290 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાની બુદ્ધિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાના અંતે વિવિધ વય જૂથમાં વિજેતા ખેલાડીઓમાં ક્રમાંક મેળવનાર ખેલાડીઓ અન્ડર-14: ભાઈઓમાં ગોહિલ ઈશાન અને બહેનો વિભાગમાં વડીયાતર અપેક્ષા, અન્ડર-17: ભાઈઓ વિભાગમાં તન્ના ક્રિશ અને બહેનો વિભાગમાં માનસતા પ્રગતિ, અન્ડર-19: ભાઈઓ વિભાગમાં સતાસિયા રુદ્ર મુકેશભાઈ અને બહેનો વિભાગમાં ગોરાણીયા દિવ્યા વિજેતા થયા હતા દરેક વય જૂથમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાંથી પાંચ-પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ આગામી દિવસોમાં આયોજિત થનાર અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની ચેસ સ્પર્ધામાં જૂનાગઢ શહેરનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનીષભાઈ જીલડીયા, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ હમીરસિંહ વાળા, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ડો. ભાવેશ વેકરીયા, દેવનભાઈ રાઠોડ અને સુરજભાઈ રાઠોડ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો અને વિદ્યામંદિરના ક્ધવીનર પ્રીતિમાં કુશારી તેમજ દર્શનભાઈ વાઘેલા દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન કરી તેને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
જૂનાગઢમાં શાળાકીય ચેસ સ્પર્ધા સંપન્ન: 290 સ્પર્ધકોએ ભાગ લીધો, હોનહાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ચમકશે
