દરરોજ 20થી 25 વાહનોમાં રોયલ્ટી વગર કોલસાને મોરબી સુધી પહોંચાડાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી બેરોકટોક કોલસાની ખાણો સને તંત્ર માત્ર નાટ્યાત્મક કામગીરી કરે છે જિલ્લામાં ચાલતી બે હજારથી પણ વધુ કોલસાની ખાણો તંત્રને નારી આંખે દેખાતું નથી જ્યાં અહીંના જાગૃત નાગરિકો અને પત્રકારો પહોંચી ગેરકાયદેસર કોલસાના ખનનને ઉજાગર કરે છે ત્યાં તંત્રના અધિકારીઓ અજાણ હોવાનો લુલો બચાવ કરે છે. ત્યારે કોલસાનું મુખ્ય ખનન થતાં તાલુકાઓમાં થાનગઢ અને મૂળી પંથક છે. જેમાં થાનગઢ પંથકના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો આજેય ધમધમી રહી છે. આ થાનગઢ વિસ્તારમાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોમાં હાલમાં જ તંત્રે દરોડો કર્યો હતો પરંતુ જે કોલસાની ખાણમાં દરોડો કરાયો તેની પાસે ચાલતી અન્ય ખાણો તો યથાવત સ્થિતિમાં જ જોવા મળી હતી. થાનગઢ તાલુકાના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં માલિકીની જમીન પર ચાલતા ઓપન કટીંગ કોલસાના ગેરકાયદેસર ખનનમાંથી દરરોજ લગભગ 20થી 25 વાહનોમાં કોલસાનો જથ્થો ભરી મોરબી તરફ રવાના કરાય છે. લગભગ 3000થી 3500 રૂપિયા સુધી પ્રતિ ટન કોલસાનો ગેરકાયદેસર જથ્થો આખોય જિલ્લો પાર કરીને મોરબી જીલ્લા સુધી પહોંચાડાય છે.
- Advertisement -
આ ગેરકાયદેસર કોલસા ભરેલા વાહનોમાં રોયલ્ટી કે પાસ પરમીટ હોતી નથી છતાંય સુરેન્દ્રનગર જિલ્લાની છેક મોરબી જિલ્લાના અંતરિયાળ ગામ સુધી પહોંચતો આ કોલસાના વાહનને કોઈ પાણીદાર અધિકારી રોકી શકતા નથી. જ્યારે આ ગેરકાયદેસર કોલસાને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડયા બાદ આખુંય કૌભાંડ પાર પાડવામાં આવે છે. પરંતુ થાનગઢના ખારા વિસ્તારમાંથી ગેરકાયદેસર નીકળતો કોલસો વાહનો થકી સુરેન્દ્રનગર જિલ્લાને ચીરી છેક મોરબી જિલ્લાના ગ્રામ્ય સુધી પહોચાડવા પાછળનું કારણ અને અધિકારીઓની મીલીભગત અહી જ છતી થાય છે. આ ગેરકાયદે કોલસાને બંને જિલ્લાની પોલીસ, મામલતદાર, ખાણ ખનિજ કે આર.ટી.ઓ વિભાગ કોઈ રોકતા નથી અથવા રોકવા માંગતા નથી તેવું સ્પષ્ટ નજરે પડે છે.



