તા.10થી 12 યોજાશે ઈવેન્ટ: સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવનારને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન 54મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવ વર્ષ 2025 – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે અને ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 400થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.
યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સ્પર્ધા સ્થળ પર જ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આ વિજેતા ખેલાડીઓમાંથી ક્વોલીફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી યુનિવર્સિટીને મેડલ અપાવે તેવી આશા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, 10થી 12 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં જે ક્વોલિફાય થશે તેઓ ઓલ ઇન્ડિયા સ્પર્ધા રમવા માટે મેંગ્લોરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે.
ખેલાડીઓ એથ્લેટિક્સની આ અલગ અલગ ઇવેન્ટમાં ખુબ જ સારુ પરફોર્મન્સ આપી મેડલ લાવવા માટે તત્પર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી દ્વારા 10 ડિસેમ્બરના વાર્ષિક ખેલકૂદ મહોત્સવને ખૂલ્લો મૂકવામાં આવશે. જેમાં માર્ચ પાસ્ટ, મશાલ રિલે, બેસ્ટ એથ્લેટ્સ અને મેડલ સેરેમની જેવી અલગ અલગ એક્ટિવિટીની આ વર્ષથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્પર્ધા દરમિયાન જ પરિણામ જાહેર કરી અને ખેલાડીઓને સ્થળ ઉપર જ મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવશે.
આ રમતોમાં યુવાનો ભાગ લઈ શકશે
54મા ખેલકૂદ મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન એથ્લેટિક્સમાં ભાઈઓ અને બહેનોમાં 100, 200, 400, 800, 1500, 5000 અને 10000 મીટર દોડ, હાફ મેરેથોન, 20 કિલોમીટર વોક, ગર્લ્સ માટે 100 તો બોયઝ માટે 110 મીટર હર્ડલ્સ, 400 મીટર હર્ડલ્સની ઇવેન્ટ યોજાશે. આ ઉપરાંત લોંગ જમ્પ, ત્રીપલ જમ્પ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવલીન થ્રો, હેમર થ્રો, હેપ્ટાથોન, ડેકાથોન, સ્ટીપલ ચેઝ, 4*100 મીટર રિલે, 4*400 મીટર રિલે અને 4*400 મીટર મિક્સ રિલે એમ કુલ 26 ઇવેન્ટ યોજાશે.



