6ની ધરપકડ, 3જાન્યુઆરીએ ફરીથી પરિક્ષા
વર્ષ 2014 બીસીએ, 2016માં બીએસસી કેમેસ્ટ્રી પેપર લીક થયું હતું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પ્રશ્ર્નપત્ર લીક થયા બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિ.ની બી.કોમ. સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર પણ ’લીક’ થયાની ફરિયાદ સાથે ’આપ’ ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. રાત્રીના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિક થયાની ઘટના સામે આવી છે. આ પૂર્વે વર્ષ 2014 બીસીએ, 2016માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર લીક થયું હતું. 22 તારીખ શરુ થયેલી પરીક્ષામાં કુલ 58059 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં બીકોમ સેમેસ્ટર 3માં અંદાજિત 18,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.