રામદેવ આચાર્યની શાનદાર સદી અને કેપ્ટન આદિત્યની પાંચ વિકેટ; યજમાન ટીમનું મેદાનમાં શક્તિપ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધામાં આયોજક ટીમે પ્રથમ મેચમાં જ શાનદાર દબદબો દેખાડ્યો છે. ચારુસેટ યુનિવર્સિટી સામે ટોસ જીતીને બેટિંગ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 4 વિકેટના નુકસાને 253 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેમાં રામદેવ આચાર્યએ 104 રન બનાવી ટુર્નામેન્ટની પ્રથમ સદી નોંધાવી હતી. ઓપનિંગ બેટ્સમેન કેરવ રાવલે 84 રન અને લકીરાજ જાડેજાએ માત્ર 15 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી.
253 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચારુસેટ યુનિવર્સિટીની ટીમ સૌરાષ્ટ્રની ધારદાર બોલિંગ સામે ટકી શકી નહોતી અને માત્ર 84 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેપ્ટન આદિત્ય રાઠોડે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે આયોજક ટીમે એકતરફી વિજય હાંસલ કર્યો હતો. ટીમના કોચ આસિફભાઈ અને મેનેજર સંજયકુમાર ખાણીયાના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને ડો. જયદીપસિંહ ચૌહાણ અને ડો. વિપુલ પરમારના હસ્તે ’મેન ઓફ ધ મેચ’ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ દમદાર જીત બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રારશ્રી, શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા અને સમગ્ર સંચાલન સમિતિએ ખેલાડીઓને અભિનંદન પાઠવી આગામી મેચો માટે પ્રોત્સાહિત કર્યા છે. આ જીત સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી મજબૂત બનાવી છે.



