કોરોનાના કપરા સમયમાં પણ આ વર્ષે 60 ટકા વૃદ્ધિ
3384 કરોડમાંથી કંપનીઓએ રૂા.1027 અને વ્યક્તિગત કરદાતાઓએ રૂા.2358નો ટેક્સ ભર્યો
કોરોના પછી રાજકોટના અર્થતંત્ર તેજ ગતિ પકડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે કારણકે રાજકોટ આવકવેરા વિભાગની તિજોરીમાં 3384.3 કરોડના ટેક્સરૂપે ઠલવાયા છે. સીસીઆઇટી રાજકોટમાં આ વર્ષે કોરોનાની કસોટીમાં પણ ટેક્સની આવકમાં 60 ટકા વૃદ્ધિ નોંધાઇ છે.
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે પરંતુ દેશના અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટ ટેકસ આવક માટે નાનું છે.
ભૂતકાળમાં પણ રાજકોટ આવકવેરાની ટેક્સ વસુલાતની કામગીરીમાં અવ્વલ રહ્યું છે, જેની સીબીડીટી દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી.ચાર મહિના પહેલા જ રાજકોટ ઇન્કમટેક્સ વિભાગના વડા ચીફ કમિશનર બનવારીલાલ મીના એ ચાર્જ સંભાળ્યો છે. વર્ષ 2021 -22 માટેનો એડવાન્સ ટેકસનો છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ 15 માર્ચે ભરતાની સાથે જ આવકવેરા વિભાગની તિજોરી છલકાય છે અને નિર્ધારિત ટાર્ગેટને પાર કરીને 3384.3 કરોડનો ટેક્સ કરદાતાઓએ ભર્યો છે જેમાં આ વખતે કોર્પોરેટ કંપનીઓને પાછળ રાખીને વ્યક્તિગત કરદાતાઓ ટેક્સ ભરવામાં અગ્રેસર રહ્યા છે.
આ વર્ષની શરૂઆતની સાથે જ આ વખતે વ્યક્તિગત કરદાતાઓએ ટેક્સ ચૂકવવામાં મોખરે રહ્યા હતા. કોર્પોરેટ કંપનીઓએ 1027 કરોડ અને વ્યક્તિગત કરદાતાઓએ 2358.3 કરોડનો ટેક્સ ભર્યો છે.


