PGVCLમાં 2.91 લાખ ગ્રાહકોએ સોલાર પેનલ લગાવી, 3 વર્ષમાં બચત કરેલા વીજ યુનિટ વહેંચી રૂ.136.22 કરોડ કમાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં ગુજરાત રાજ્ય સમગ્ર ભારત દેશમાં મોખરે છે અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના લોકોને વીજ પુરવઠો પૂરું પાડતું રાજકોટ ઙૠટઈક પ્રથમ ક્રમે છે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં 55 લાખમાંથી 2.91 લાખ વીજ ગ્રાહકો એવા છે કે, જેમના ઘર, એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ બિલ્ડિંગમાં સોલાર ફીટ કરવામાં આવેલા છે. જોકે, તેમાં સોલારથી થયેલા વીજ ઉત્પાદનમાંથી વીજળીના વપરાશ ઉપરાંતના યુનિટ સંગ્રહ કરતા ગ્રાહકોને વળતર સ્વરૂપે નાણાની ચુકવણી કરવામાં આવે છે.
આ વળતર યોજના લાગૂ પડ્યાના ત્રણ વર્ષમાં રાજકોટ PGVCL દ્વારા 136.22 કરોડની ચુકવણી કરવાની થઈ છે. જેમાં ચાલુ વર્ષે જ રૂ. 65.58 કરોડની ચૂકવણી કરવામાં આવનાર છે. આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં 291 લાખમાંથી 2.27 લાખ ગ્રાહકો એવા છે કે, જેઓએ પોતાના ઘર કે કોમર્શિયલ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા સોલાર મીટર થકી દૈનિક જે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી ઓછો વિજ વપરાશ કરી અમૂક યુનિટ બચાવેલા છે અને આ બચાવેલા યુનિટની PGVCL દ્વારા ખરીદી કરવામાં આવેલી છે. આમ સોલાર મીટર લગાવતા વીજ ગ્રાહકો ગ્રીન એનર્જી અપનાવીને પર્યાવરણને બચાવવામાં સિંહ ફાળો આપી રહ્યા છે.
PGVCL દ્વારા વર્ષ 2024-25 દરમિયાન એલ.ટી. કેટેગરીના કુલ 2,91,487 ગ્રાહકો પાસેથી 391.35 મિલિયન યુનિટ સોલાર પાવરની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ગત વર્ષ 2023-24ની સરખામણીએ સોલાર ગ્રાહકોની સંખ્યામાં 60.97% અને સોલાર પાવર ખરીદી અન્વયે ગ્રાહકોને પેમેન્ટની રકમમાં 57.55%નો અદભૂતપૂર્વ વધારો નોંધાયેલ છે. જે PGVCL ના માનવંતા ગ્રાહકોની ગ્રીન એનર્જી અપનાવીને પર્યાવરણ તરફથી જાગૃતતા દર્શાવે છે.
વીજ ગ્રાહકોને 391.35 યુનિટના રૂ. 65.58 કરોડ ચૂકવવામાં આવશે
PGVCL દ્વારા ગ્રાહકોને સોલાર પાવર અન્વયે છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલ પેમેન્ટ પર નજર કરીએ તો વર્ષ 2022-23માં 1,32,503 સોલાર ફીટ કરાવતા ધરાવતા વીજ ગ્રાહકો હતા. જેઓને 166.04 યુનિટના 29.01 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. વર્ષ 2023-24માં 1,81,081 સોલાર વીજ ગ્રાહકોને 237.14 યુનિટના રૂ.41.63 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષે એટલે કે વર્ષ 2024-25માં 2,91,487 વીજ ગ્રાહકોને 391.35 યુનિટના રૂ. 65.58 કરોડ ચૂકવવામાં આવનાર છે.
વર્ષ 2024-25 દરમિયાન PGVCLદ્વારા ખરીદ કરવામાં આવેલ અન્વયે રૂ. 65.58 કરોડનું ગ્રાહકોને ટૂંક સમયમાં પેમેન્ટ કરવામાં આવશે. જેથી હજુ પણ વધુને વધુ ગ્રાહકો કેન્દ્ર સરકારની સોલાર સ્કીમ અંતર્ગત રૂ. 78,000ની સબસીડીનો લાભ લઈને સોલાર પાવર અપનાવીને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તેમજ ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપે એવો અનુરોધ કરવામાં આવેલો છે.