લોહપુરુષ સરદારસાહેબ એ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણનું અવિસ્મરણીય કાર્ય કર્યું – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે કાર્યોને વિશ્ર્વના શિખર સુધી પહોંચાડ્યા : રાજુભાઈ ધ્રુવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતના લોહપુરુષ, રાષ્ટ્રનિર્માતા અને યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે સરદારસાહેબે ભારતની એકતા, અખંડિતતા અને લોકશાહી શાસન વ્યવસ્થાના પાયો મૂકી એક અખંડ અને શક્તિશાળી રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કર્યું હતું.રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને વિશ્વના નકશા પર અમર બનાવી દીધા છે. કોંગ્રેસે જે અવહેલના કરી હતી તેનુ પરિમાર્ચન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવા ઐતિહાસિક પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાને સરદારસાહેબના કાર્યોને યથાર્થ માન આપી 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લઈ દેશનું ગૌરવ વધાર્યું છે.
- Advertisement -
તેમણે ઉમેર્યું કે, સરદારસાહેબના અદમ્ય સાહસ, બુદ્ધિશક્તિ અને રાજદ્વારી કુનેહ દ્વારા ભારતના 562 દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કરી એક અખંડ ભારતનું નિર્માણ થયું, જે વિશ્વ ઇતિહાસમાં અદ્વિતીય છે. તેમનું જીવન સ્વાર્થરહિત રાષ્ટ્રસેવા અને સમર્પણનું પ્રતિક છે.રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલની રાજનીતિમાં નિડરતા, નિષ્ઠા અને ન્યાયની પ્રતિબદ્ધતા આજના યુગના દરેક નેતા માટે પ્રેરણારૂપ છે.સરદારસાહેબની મહાનતા એવી છે કે તેઓ કોઈ એક પક્ષ કે વર્ગના નહીં, પણ સમગ્ર ભારતના છે, એમ ધ્રુવે કહ્યું હતું.આ અવસરે રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું કે, સરદાર પટેલે જે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું, તેને સાચા અર્થમાં જીવંત રાખવાનો કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સરદારસાહેબ ભારતના હૃદયમાં સદા જીવંત રહેશે.



 
                                 
                              
        

 
         
        